જેટ એરવેઝ સંકટઃ નરેશ ગોયલ સામે FIR દાખલ કરવા ઉગ્ર માગ

આર્થિક સંકટનો સામનો કરી રહેલ જેટ એરવેઝની સ્થિતિ પર ચર્ચા કરવા માટે એક બાજુ વડા પ્રધાનના કાર્યાલય (પીએમઓ)એ ઇમર્જન્સી બેઠક બોલાવી છે તો બીજી બાજુ પાંચ કંપનીઓએ જેટ એરવેઝનો બહુમતી હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે.

આ પાંચ કંપનીઓમાં એતિહાદ એરવેઝ, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એનઆઇઆઇએફ), કોન્સોર્ટિયમ ઓફ રેડક્લિફ કેપિટલ એન્ડ થિન્ક ઇક્વિટી, ટીપીજી કેપિટલ એન્ડ ઇન્ડિગો પાર્ટનર્સનો સમાવેશ થાય છે, જોકે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ કરજદારોએ હજુ બિડર્સના નામોની જાહેરાત કરવાની બાકી છે, પરંતુ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જેટ એરવેઝના શેર ખરીદવા માટે તેના સંસ્થાપક નરેશ ગોયલે પણ બીડ ઓફર કરી છે.

દરમિયાન જેટ એરવેઝના કર્મચારી યુનિયનોએ પોલીસ સમક્ષ એવી માગણી કરી છે કે એરલાઇનના ફાઉન્ડર નરેશ ગોયલ, સીઇઓ વિનય દૂબે અને એસબીઆઇના ચેરમેન રજનીશકુમાર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવે. જેટ એરવેઝના ઓલ ઇન્ડિયા ઓફિસર્સ એન્ડ સ્ટાફ એસોસીએેશનના પ્રમુખ કિરણ પાવસ્કરે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. એરલાઇને કર્મચારીઓના માર્ચના પગાર ચૂકવ્યા નથી. આ અગાઉ પાવસ્કરના નેતૃત્વમાં ૨૦૦ કર્મચારીઓએ એરપોર્ટથી જેટ એરવેઝના હેડક્વાર્ટર સુધી એક રેલી યોજી હતી.

દરમિયાન સંકટગ્રસ્ત જેટ એરવેઝે કેશ કટોકટીના કારણે સોમવાર સુધી પોતાનું આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશન બંધ કરી દીધું છે. જેટ એરવેઝની ફ્લાઇટ રદ થવાથી પ્રવાસીઓ પણ પરેશાન છે. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ પણ ઉડ્ડયન વિભાગના સચિવને જેટ એરવેઝ સંબંધિત મુદ્દાઓ અને સમસ્યાઓની સમીક્ષા કરવા પણ આદેશ કર્યો છે.

You might also like