ફેશન ફોર ફ્રેશર્સ પાર્ટી

સ્કૂલમાંથી જ્યારે કૉલેજમાં વિદ્યાર્થીઓ પ્રવેશે છે ત્યારે પહેરવેશથી લઇને રહેવા કરવાની રીતભાત તમામ બાબતમાં પરિવર્તન જોવા મળે છે. કૉલેજના પ્રથમ વર્ષમાં ફેશનનું આગવું મહત્ત્વ એટલા માટે છે કે યુનિફોર્મમાંથી ફ્રી કપડાં પહેરવાની તક મળે છે. એટલે જ તો ફેશનના નામે કપડાંમાં વિવિધ પ્રકારના નવતર પ્રયાસો કૉલેજનાં યુવક-યુવતીઓ કરે છે.

પણ વાત જ્યારે કૉલેજની ફ્રેશર્સ પાર્ટીની હોય તો પાર્ટીમાં ખાસ પ્રકારનાં પરિધાન પહેરીને વટ પાડવામાં ક્યાંય પાછીપાની નથી રાખતા આજનાં યંગસ્ટર્સ. કૉલેજના સિનિયર દ્વારા જુનિયર્સ માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે ત્યારે ફ્રેશર્સ પાર્ટીમાં ફ્રેશ લુક મેળવવા માટે વસ્ત્રપરિધાનમાં નવતર પ્રયાસો સાથે નવો જ લુક મેળવવા યુવક-યુવતી ડિઝાઇનરનો સહારો લે છે.

ફેશન ડિઝાઇનર ધ્રુવા રાવલ કહે છે કે, “વાત જ્યારે ફેશર્સ પાર્ટીની હોય ત્યારે યુવતીઓ હંમેશાં કંઇક ખાસ પ્રકારનાં પરિધાન પહેરીને અલગ દેખાવાનું પસંદ કરે છે. હાલ પાર્ટીઝમાં ઓફ શોલ્ડર ટોપની ફેશન ખૂબ જ ચાલે છે ત્યારે વન શોલ્ડર ડ્રેસ, ફુલ સ્લીવ વિથ વાઇલ્ડ શોલ્ડર ડ્રેસ, પ્રિન્ટેડ ડ્રેસ વિથ ક્રોપ બ્લેઝર, પેન્સિલ ડ્રેસ, એનિમલ પ્રિન્ટેડ ઓફ શોલ્ડર ડ્રેસ, નિયોન કલર વિથ લેસશ્રગ, ક્રોપ ટોપ વિથ હાઇ વેસ્ટ મેક્સી સ્કર્ટ જેવા વિવિધ પ્રકારના આઉટફિટ પહેરીને આકર્ષક દેખાઈ શકાય છે. જ્યારે યુવકોએ ટુ પીસ સૂટ વિધાઉટ ટાઇ, બ્લેઝર સાથે ડેનિમ, નહેરુ જેકેટ જેવા વેરાઇટી ઓફ આઉટફિટ પહેરીને એકદમ ટ્રેન્ડી લુક મેળવી શકાય છે.”

નિકિતા પટેલ કહે છે કે, “ફ્રેશર્સ પાર્ટીમાં સારા દેખાવા માટે મેં ખાસ કપડાં ડિઝાઇન કરાવ્યાં છે. હાલ નિયોન કલરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે મેં નિયોન કલરમાં લેસશ્રગ ડિઝાઇન કરાવ્યું છે અને એક પેન્સિલ ડ્રેસ પણ ડિઝાઇન કરાવ્યો છે. ઓફ શોલ્ડર ડ્રેસનો ટ્રેન્ડ પાર્ટી કલ્ચરમાં ચાલે છે ત્યારે અમે મિત્રોએ ભેગા મળીને ડિઝાઇનર પાસે પાર્ટીવેર ડિઝાઇન કરાવ્યાં છે. ફ્રેશર્સ પાર્ટીને લઇને અમે બધા જ ખૂબ જ એક્સાઇટ છીએ.”

કર્ણિલ પંચોલી કહે છે કે, “મેં ટુ પીસ સૂટ વિધાઉટ ટાઇ ખાસ પાર્ટી માટે ડિઝાઇન કરાવ્યો છે. પાર્ટીમાં બોયઝ માટે ખાસ કાંઈ હોતું નથી. માત્ર જિન્સ અને ટી શર્ટ પર બ્લેઝર કે કોટી પહેરતા હોય છે પણ મારે કાંઈ સ્પેશિયલ પહેરવું હતું તેથી મેં ખાસ ટુ પીસ સૂટ તૈયાર કરાવ્યો છે. સાથે મેં એક નહેરુ જેકેટ પણ ડિઝાઇન કરાવ્યું છે.”

ફ્રેશર્સ પાર્ટીમાં ફ્રેશ લુક મેળવવા માટે ફ્રેશ આઉટફિટ પહેરવાનું યુવાનો પસંદ કરી રહ્યાં છે ત્યારે આ ખાસ પાર્ટી માટે કૉલેજિયન યુવાનો તૈયાર થઇ ગયા છે. ફ્રેશર્સ તેમના સિનિયર સામે વટ્ટ પાડવા માગે છે તો સિનિયર તેમના જુનિયર્સને ઇમ્પ્રેસ કરવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે.

પૂર્વી દવે વ્યાસ

You might also like