અસહિષ્ણુતાને રોકવામાં નહિ આવે તો કાશ્મીર ગુમાવવાનો વારો આવશેઃ ફારુક અબ્દુલ્લા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડો. ફારુક અબ્દુલ્લાઅે જણાવ્યું છે કે જો મુસ્લિમોને શંકાની નજરથી જોવાનું અને લઘુમતીઓ પ્રત્યે વધતી જતી અસહિષ્ણુતાને રોકવામાં નહિ આવે તો ભારત કદાચ કાશ્મીરને તેની સાથે રાખી નહિ શકે. તેમણે સાંપ્રદાયિક  તત્વોપર અંકુશ લગાવવાની તાકીદ કરી છે.

ગઈ કાલે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતાં ડો. અબ્દુલ્લાઅે જણાવ્યું કે દેશમાં જે પ્રકારે સાંપ્રદાયિક તત્ત્વો માથું ઊંચકી રહ્યાં છે તે દેશની અેકતા અને અખંડિતતા માટે ઘાતક સાબિત થાય તેમ છે. જો આપણે હિન્દુ-મુસલમાનના નામે લડતા રહીશું તો ભવિષ્યમાં દિલ્હી પણ કાશ્મીરને બચાવી નહિ શકે. ફારુક અબ્દુલ્લાઅે વધુમાં જણાવ્યું કે મુસ્લિમો કોઈ પણ રીતે રાષ્ટ્રવિરોધી નથી. શું મુસ્લિમો હિન્દુસ્તાની નથી? શું મુસલમાનોઅે આઝાદી માટે લોહી નથી રેડ્યું? શું મુસ્લિમોઅે દેશની અેકતા અને અંખડિતતા ટકાવી રાખવા કુરબાની નથી આપી? બ્રિગેડિયર ઉસ્માને ૧૯૪૭ની લડાઈમાં પાકિસ્તાનીઓ સામે લડતાં શહીદી વહોરી હતી. ખુદા અને ભગવાનમાં કોઈ ફરક નથી અને જો ફરક હોત તો મારું લોહી લાલ નહિ, લીલું હોત. તમારું ભગવા રંગનું હોત અને ખ્રિસ્તીઓનું અન્ય કોઈ રંગનું હોત.

ફારુક અબ્દુલ્લાઅે પાકિસ્તાનના કબજાવાળા ગુલામ કાશ્મીરને આઝાદ કાશ્મીર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ભારતીય ઉપમહાસાગરમાં શાંતિ સ્થાપવા આઝાદ કાશ્મીરને પાકિસ્તાન સાથે જ રહેવા દેવું જોઈઅે. ભારત સાથે જમ્મુ, કાશ્મીર અને લદાખ પ્રાંત ભલે રહે, પરંતુ નવી દિલ્હીઅે જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતા આપવી પડશે. જે રીતે જમ્મુ-કાશ્મીરને ભારતથી કોઈ અલગ કરી નથી શકતું તે જ રીતે વિશ્વની કોઈ અેવી તાકાત નથી કે જે આઝાદ કાશ્મીરને પાકિસ્તાન પાસેથી છોડાવી શકે.

You might also like