ખેડૂતો હવે ટૂંક સમયમાં બીજાં રાજ્યને ઓનલાઈન કૃષિ પ્રોડક્ટ્સ વેચી શકશે

નવી દિલ્હી: કૃષિ મંત્રાલય હવે આગામી બે મહિનામાં ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-NAM) દ્વારા બજારમાં આંતરરાજ્ય વેપાર શરૂ કરવાનો પાઇલટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં લોન્ચ કરવા જઇ રહ્યું છે. તેના કારણે ખેડૂતો હવે બીજાં રાજ્યને પોતાના ઉત્પાદનો ઓનલાઇન વેચી શકશે.

તેનાથી એક રાજ્યના યુનિફાઇડ લાઇસન્સ્ડ ટ્રેડરને ઓનલાઇન ટ્રેડ દ્વારા બીજા રાજ્યમાંથી કૃષિ પેદાશો ખરીદવા અને તેના માટે બોલી બોલવામાં મદદ મળશે અને ટ્રાન્સપરન્ટ રીતે રિયલ ટાઇમ બેઝિસ પર પ્રાઇસ ડિસ્કવરીને પ્રોત્સાહન મળશે.

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર સારી ગુણવત્તા ધરાવતાં ઉત્પાદનો માટે ટ્રેડર્સ વચ્ચે પ્રતિસ્પર્ધા વધવાથી વચેટિયાઓ આઉટ થઇ જશે, જેના કારણે ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના વધુ સારા ભાવ મળશે. તેમણે જણાવ્યું હતું કે હાલ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા અને ઉત્તરાખંડ સહિત સાત રાજ્યમાં ઇન્ટર સ્ટેટ બિઝનેસ શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી છે.

સ્મોલ ફાર્મર્સ એગ્રિકલ્ચર કન્સોર્ટિયમ (SFAC)ના એમડી સુમંતા ચૌધરીએ જણાવ્યું હતું કે કૃષિ પેદાશોની લે-વેચમાં પારદર્શિતા વધારવા માટે રાજ્યના કૃષિ બજાર વચ્ચે વેપારને પ્રોત્સાહિત કરવાના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. e-NAM પ્રોજેક્ટનો અમલ કરવાની જવાબદારી SFACને આપવામાં આવી છે.

હાલ ૫૮૫ કૃષિ બજારમાં ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ નેટવર્ક દ્વારા વેપાર થાય છે. સરકારની યોજના આ વર્ષે ૨૦૦ અને આગામી વર્ષે ૨૧૫ બજારને e-NAM પ્લેટફોર્મ સાથે ઇન્ટિગ્રેટ કરવાની છે. હાલ દેશમાં ૨૭૦૦ એપીએમસી બજાર છે.

You might also like