ખેડૂતો પાક નુકસાનીના ફોટા પાડીને સરકારને વળતર મેળવવા મોકલી શકશે

ગાંધીનગર, બુધવાર

રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રની પ્રધાનમંત્રી કૃષિ પાક વીમા યોજનાને ઉમળકાભેર આવકારવામાં આવે છે. આ નવી યોજના દ્વારા ખેડૂતો મોબાઇલ પર પોતાના પાક નુકસાનીના ફોટા પાડીને સરકારને વળતર મેળવવા માટે મોકલી શકશે તેમ આજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, અગાઉની પાક વીમાની ચીલાચાલુ પદ્ધતિથી ખેડૂતોને ખેતી પોષાય નહીં તો કેટલીક કમનસીબ ઘટનાઓ પણ બનતી રહી છે. બીજ વાવે અને વરસાદ ન પડે કે કાપણી થયા બાદ ખળામાં પાક હોયને વરસાદ પડે તો ખેડૂતોને કોઇ વીમો મળતો નહતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોના હિતમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયના પગલે હવે વાવણીથી લણણી સુધી ચૌદ દિવસ સુધી ખેડૂતોને વીમાનું કવચ મળશે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમા અંતર્ગત સહાય અપાતી રહી છે, પરંતુ સરકારની સહાયથી ખેડૂતોને સંતોષ થતો ન હતો કેમ કે નિયમો વધુ જટિલ હતા. આખ્ખા ગુજરાતનો સર્વે ન થાય ત્યાં સુધી વળતર મળવું મુશ્કેલ હતું પરંતુ હવે ખેડૂતો સ્માર્ટ ફોનથી ફોટા મોકલાવે કે તાત્કાલિક વળતર મળી જશે અને તેમને વિવિધ પ્રકારના ધિરાણમાંથી મુક્તિ મળશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આનંદીબહેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રની નવી પાક વીમા નીતિથી વચેટિયાઓ રહેશે નહીં. ખરીફ પાક માટે બે ટકા, રવિ પાક માટે દોઢ ટકા અને કપાસ જેવા બાગાયતી પાક કે જેના પર પંદર ટકા પ્રિમિયમ હતું તેના પર પાંચ ટકા પ્રિમિયમ લેવાશે. સમગ્ર દેશમાં એક સમાન દરથી ખેડૂતોને પાકની પૂરી કિંમતનું પૂરેપૂરું વળતર મળશે.

રાજ્ય સરકાર સેટેલાઇટના ઉપયોગથી પાક નુકસાનીના ફોટા મેળવીને ખેડૂતોને તત્કાળ ચુકવણી    કરશે. એટલે સર્વેયરની ક્રોસચેકની પદ્ધતિ રહેશે નહીં. આનાવારીની પ્રથા પણ રદ થશે. હવે ગામને યુનિટ બનાવવાથી ખેડૂતોને પાક વીમાના સંદર્ભે ભારે રાહત મળશે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદુએ પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રની નવી પાક વીમા યોજનાને ઉમળકાભેર આવકારી હતી. પ્રદેશ પ્રમુખ ફળદુએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની પાક વીમાની નવી નીતિથી ખેડૂતો સલામત બન્યા છે. ભૂતકાળમાં કોઇ સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી

You might also like