ખેડૂતો આનંદોઃ હવે માત્ર ચાર ટકાના સસ્તા વ્યાજદરે લોન મળશે

નવી દિલ્હી: સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ખેડૂતોને ચાર ટકાના સસ્તા વ્યાજદરે લોન આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે અને આ માટે રૂ.૧૮,ર૭૬ કરોડ ફાળવવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ યોજનાને બહાલી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકારી બેન્કો, ખાનગી બેન્કો, સહકારી બેન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કો એક વર્ષની મુદત માટે રૂ.ત્રણ લાખ સુધીની શોર્ટ ટર્મ કૃષિ લોન આપશે.

કોમ્યુનિકેશન અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતાં પત્રકારોને જણાવ્યું હતું કે આ લોન નવ ટકા વ્યાજ પર મળશે, પરંતુ સરકાર તેમાં પાંચ ટકાની છૂટછાટ આપશે, જેના કારણે ખેડૂતોએ માત્ર ચાર ટકા વ્યાજ ચૂકવવું પડશે.

જો ખેડૂતો એક વર્ષમાં લોન ભરપાઇ કરવામાં નિષ્ફળ જશે તો તેમને વ્યાજમાં માત્ર બે ટકાની જ છૂટછાટ મળશે અને તેથી તેમણે સાત ટકા વ્યાજ ચૂકવવું પડશે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આ લોન તમામ પાક માટે મળશે અને જે નાના ખેડૂતો છ મહિના માટે લોન લેશે તેમને વ્યાજમાં બે ટકાની રાહત મળશે અને લોન પર સાત ટકા વ્યાજ ચૂકવવું પડશે.

You might also like