ખેતરમાં અાવેલા ખુલ્લા કૂવામાં સિંહ ખાબક્યો

અમદાવાદ: સાવરકુંડલા નજીક અાવેલા ધડકલા ગામની સીમના એક ખુલ્લા કૂવામાં ગઈ રાતે સિંહ ખાબકતાં ભારે ઉત્તેજના સભર માહોલ છવાયો છે. વન વિભાગ અને ફાયરબ્રિગેડની અથાગ મહેનત છતાં અાજ સવાર સુધી સિંહને કૂવામાંથી બહાર કાઢવાની હજુ સુધી કોઈ કારી ફાવી નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સાવરકુંડલા તાલુકાના ધડકલા ગામની સીમમાં અાવેલા ખુલ્લા ખેતરમાં ગઈ રાતે સિંહ ખાબક્યો હતો. સિંહના ડણક અને ત્રાડના કારણે અાજુબાજુની વાડીઓમાં રહેતા ખેડૂતો કૂવા તરફ દોડ્યા હતા. બેટરીની લાઈટથી કૂવામાં તપાસ કરતાં ડાલમથ્થો જોવા મળ્યો હતો. ખેડૂતોએ અા અંગે વન વિભાગને જાણ કરતાં વન વિભાગનો સ્ટાફ તાત્કાલીક દોડી અાવ્યો હતો અને ફાયરબ્રિગેડના જવાનોને પણ બોલાવવામાં અાવ્યા હતા.

વન વિભાગ અને ફાયરબ્રિગેડના સ્ટાફે તમામ સાધન-સામગ્રીઓ સાથે પહોંચી ગયા બાદ સિંહને કૂવામાંથી જીવતો બહાર કાઢવા અથાગ પ્રયત્ન શરૂ કર્યા હતા. પરંતુ વહેલી સવાર સુધી ચાલેલી કામગીરી દરમિયાન સિંહને કૂવામાંથી બહાર કાઢી શકાયો નથી. અા ઘટનાના પગલે ખેતરમાં લોકોના ટોળેટોળાં ભેગા થયાં હતાં અને ભારે ઉત્તેજના સભર માહોલ છવાયો હતો.

You might also like