વ્યાજખોરના ત્રાસથી યુવકે ફિનાઇલ પીને આત્મહત્યાની કોશિશ કરી

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં વ્યાજખોરની પઠાણી ઉધરાણીથી કંટાળીને એક યુવકે ફિનાઇલ પીને આત્મહત્યા કરાવીની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઉત્તરાયણના દિવસે વ્યાજખોરે યુવકને તેના પરિવાર અને પડોશીઓની સામે રૂપિયા નહીં આપવા બાબતે ઢોર માર માર્યો હતો. જેમાં તેને લાગી આવતાં ફિનાઇલ પીધું હતું.

ગોમતીપુર વિસ્તારમાં આવેલ શકરા ઘાંચીની ચાલીમાં રહેતા અને વડોદરા કેરટેકરમાં નોકરી કરતા અમરીશભાઇ મહેશભાઇ મેકવાને વ્યાજખોર વિરુદ્ધમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અને વ્યાજનો ધંધો કરતા જિજ્ઞેશ ખંડવી પાસેથી અમરીશભાઇએ ૭૫૦૦૦ રૂપિયા વ્યાજ પર લીધા હતા. અમરીશભાઇએ જિજ્ઞેશને વ્યાજ સાથે મૂડી પરત આપી દીધી હતી. તારીખ ૧૩મી જાન્યુઆરીના રોજ અમરીશભાઇ તેમનાં પત્ની વિનિતા સાથે અમદાવાદ ઉત્તરાયણ મનાવવા માટે આવ્યા હતા.

અમરીશભાઇ અમદાવાદ આવ્યા હોવાની વાત જિજ્ઞેશ ખંડવીને ખબર પડતાં તે ઉત્તરાયણના દિવસે પઠાણી ઉધરાણી કરવા માટે તેમના ઘરે આવી પહોંચ્યો હતો. જિજ્ઞેેશ બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાની વાત કરતાં અમરીશભાઇએ રૂપિયા આપવાનો ઇન્કાર કર્યો હતો અને રૂપિયા આપી દીધેલા છે હવે મારે કોઇપણ પ્રકારના રૂપિયા ચુકવવાના રહેતા નથી તેવું કહ્યું હતું.

અમરીશભાઇની વાતથી જિજ્ઞેશ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેમના ઘર પાસે પડોશી જુએ તે રીતે તેમને માર માર્યો હતો. આ ઘટનાથી અમરીશભાઇને લાગી આવતાં તેમણે ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ફિનાઇલ પીતાં અમરીશભાઇને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોમતીપુર પોલીસ આ મામલે જિજ્ઞેશ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like