છરીના 26 ઘા ઝીંકી જામનગરના વકીલની હત્યા,ઘટના CCTVમાં કેદ

જામનગરના જાણીતા વકીલ કિરીટ જોશી પર હત્યા થઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. કેટલાક અજાણ્યા શખ્સોએ છરી વડે તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે વકીલ જોશી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું છે. આ હુમલો વકીલની ઓફિસની બાજુમાં જ થયો હતો. આ ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે અને CCTVના આધારે આ સમગ્ર હાલ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરમાં અને હાઇવે પર નાકાબંધી કરી છે. જયારે વકીલની હત્યાથી વકીલ મંડળમાં રોષ છે. જેને લઇને સોમવારે જામનગર વકીલ મંડળે કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.

શું છે ઘટના ક્રમ?
નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને શહેરના ભરચક ગણાતા ટાઉન હોલ વિસ્તારમાં જ્યોત ટાવરમાં ઓફીસ ધરાવતા ખ્યાતનામ વકીલ કિરીટ જોશીને મોત ને ધાટ ઉતારી દેવામાં આવ્યા છે. બરાબર નવેક વાગ્યાના સુમારે પોતાની ચોથા માળે આવેલ ઓફીસ છોડી. વાકીલ જોશી ઘરે જવા રવાના થયા. નિત્યક્રમ મુજબ રાત્રે નવ વાગ્યે ઓફીસથી ઘરે જવા નીકળે છે.

જ્યોત ટાવરના ચોથા માળની બિલ્ડીંગ છોડી વકીલ જોશી લીફ્ટ વાટે નીચે આવે છે. જેવા પોતાની ગાડી તરફ ચાલતા થયા કે બાઈક પર આવેલ બે પૈકેના એક શખ્સે વકીલ પર છરી વડે હમલો કરી દીધો. વકીલ બચાવમાં એક-બે ઘાની સામે પ્રતિકાર કાર્યા પણ હત્યારા શખ્સના ઉપર ઉપરી પ્રહારને લઈને જોશી નીચે પડી ગયા. તે પૂર્વે આરોપીએ છરીના એક ડઝન ઘા શરીરના ભાગે કરી દીધા. વકીલ નીચે ઢળી પડ્યા બાદ પણ આરોપીએ વધુ એકાદ ડઝન પ્રહાર કરી. બાઈક લઇ વાટ જોતા સખ્સની પાછળ બેસી ઘટના સ્થળ છોડી નાસી જવામાં સફળ રહ્યા હતા.

હોસ્પિટલ પહોંચ્યો મૃતદેહ
વકીલ કિરીટ જોશી પર જીવલેણ હુમલો થતા જ આજુબાજુની દુકાન વાળાઓ દોડી આવ્યા હતા. અને ખાનગી વાહનમાં વકીલને લોહી નીતરતી હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. ગંભીર સ્થિતિને લઈને તબીબોએ ત્વરિત પમ્પીંગ સહિતની કાર્યવાહી કરી. પરંતુ સારવાર પૂર્વે જ વકીલનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાએ પગલે એએસપી પટેલ, એસઓજી પીઆઈ વાળા, સીટી બી ડીવીજન અને એલસીબી સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. વકીલ પરના હુમલાના બનાવને લઈને વકીલો અને અન્ય આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.

CCTV ફૂટેજ કરાયા કબજે
આ ઘટનાને પગલે LCB પોલીસ તુરંત ઘટના સ્થળે પહોચી હતી. જ્યોત ટાવર બિલ્ડિંગ બહાર જ હત્યારાઓએ વારદાતને અંજામ આપ્યો હોવાથી. પોલીસ આ કોમર્સિયલ બિલ્ડીંગ આગળની દુકાનોના CCTV ફૂટેજ કબજે કરવા કાર્યવાહી કરી હતી. જેમાં SBIના ATMના સીસીટીવી ચેક કરતા ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં આ સમગ્ર ઘટના રાત્રે નવ વાગ્યા ને નવ મિનીટે બની હોવાનું અને બે શખ્સો સંડોવાયા હોવાનું સામે આવ્યું હતું.

વકીલે ચકચારી કેશ લડ્યા છે
જામનગરમાં જ્યોત ટાવરમાં ઓફીસ ધરાવતા કિરીટ જોશી એ ટૂંકા ગાળામાં સારી નામના મેળવી હતી. શહેરના ચકચારી જમીન કૌભાંડ સહિતના કેશ લડી કાઠું કાઢ્યું હતું. તાજેતરમાં ૧૦૦ કરોડની કિમતના જમીન કૌભાંડમાં ફરિયાદી પક્ષે કેશ લડ્યો હતો અને છેક સુપ્રીમ સુધી આ પ્રકરણ પહોચ્યું હતું. ટૂંકા ગાળામાં નામના મેળવી લાઈમ લાઈટમાં આવેલ વકીલની હત્યા પાછળ કોઈ કોર્ટ કેશ લડવાની બાબત જવાબદાર છે કે કેમ? પોલીસની એક ટીમે આ દિશા તરફ પણ તપાસ આગળ ધપાવી છે.

બે અજ્ઞાત શખ્સો સામે ફરિયાદ
સીસીટીવીમાં દેખાયેલા બે હત્યારાઓ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. બંને અજાણ્યા સખ્સોએ ક્યા કારણોસર અને કેવા સંજોગોમાં હત્યાની વારદાતને અંજામ આપ્યો છે તેનો ખુલાસો થયો નથી. પરંતુ હાઈપ્રોફિલ બની ગયેલ આ પ્રકરણના આરોપીઓ સુધી પહોચવા પોલીસ આગળ વધી રહી છે.

વકીલ મંડળમાં જોવા મળ્યો રોષ
વકીલ પરના હુમલાને લઈને વકીલ મંડળના પ્રમુખ ભરત સુવા સહીત અગ્રગણ્ય વકીલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયા હતા. વકીલની હત્યાના આ બનાવને મંડળે સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યા છે. આ ઘટનાને લઈને આગામી સોમવારે વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. જરૂર પડ્યે ઉગ્ર કાર્યક્રમો અને ગાંધીનગર સુધી લડત ચલાવવાની તૈયારી મંડળે કરી છે.

આવતીકાલે રાજકોટના વકીલો પણ પાડશે હડતાલ
જામનગરના વકીલ કિરીટ જોષીની હત્યા મામલે સૌરાષ્ટ્રના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતક વકીલનું આજે પોસ્ટમોર્ટન કરવામાં આવ્યું હતું. વકીલની હત્યાને પગલે જામનગર બાર એસોસિએશને એક દિવસ હળતાલ પાળવાની જાહેરાત કરી છે જેને રાજકોટ બાર એસોસીએશને પણ ટેકો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે,રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખે આ અંગે જાહેરાક કરી હતી અને જણાવ્યું હતું કે આવતીકાલે રાજકોટના વકીલો પણ એક દિવસીય હળતાલ પાડશે.

You might also like