એક જ પરિવારની બે વ્યક્તિની રહસ્યમય સંજોગોમાં લાશ મળી અાવતાં સનસનાટી

અમદાવાદ: અમદાવાદ-લીંબડી હાઈવે પર બગોદરા રોડ પરથી એક જ પરિવારની બે વ્યક્તિની લાશ રહસ્યમય સંજોગોમાં મળી અાવતાં અા ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. પોલીસે અા અંગે ગુના દાખલ કરી સઘન કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ ગ્રામ્યમાં અાવેલા બગોદરા ખાતે રહેતા અને ડમ્પર ચલાવવાનો વ્યવસાય કરતા મહેન્દ્ર ઉર્ફે મેંદુ વિનોદભાઈ મકવાણા નામના ૨૪ વર્ષના યુવાનની લાશ બગોદરા રોડ પર જનશાળીના પાટિયા પાસેથી મળી અાવી હતી. અા યુવાનની કોઈ અજાણ્યા શખસોએ ગળે ટૂંપો અાપી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હત્યારાઓ યુવાનની હત્યા કર્યા બાદ એક પણ પુરાવો છોડી ગયા ન હોવાના કારણે પોલીસ માટે અા ઘટના માથાના દુખાવારૂપ બની છે. પોલીસે લાશને પીએમ માટે મોકલી અાપી ખૂનનો ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

અા ઉપરાંત બગોદરામાં જ રહેતી અને ઉપરોક્ત મરનાર યુવાનના કુટુંબની જ મહિલા જસુબહેન લાલજીભાઈની લાશ બગોદરા રોડ પર જ શિયાળ ગામના પાટિયા પાસેથી રહસ્યમય સંજોગોમાં મળી અાવી હતી. અા મહિલાએ અાત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. અા મહિલા પોતાના ઘરેથી સાંજના સુમારે નીકળ્યા બાદ તેની લાશ મળી અાવી હતી. અા અંગે બગોદરાના પોલીસ સબઈન્સ્પેક્ટર મલેકે જણાવ્યું હતું કે બગોદરાના યુવાન મહેન્દ્રની તો હત્યા જ થઈ છે, પરંતુ મહિલા જસુબહેનના મોત અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. અા મહિલાનું અકસ્માતે મોત, અાત્મહત્યા કે હત્યા તે અંગે પોલીસે જુદી જુદી થિયરીથી તપાસ શરૂ કરી છે.

You might also like