હાટકેશ્વરના યુવકનું રહસ્યમય મોતઃ પરિવારજનોનો હત્યાનો અારોપ

અમદાવાદ: અમારા દીકરાનું મોત અકસ્માતથી નહીં, પરંતુ તેની હત્યા કરીને ફેંકી દેવામાં આવ્યો છે તેવી અમને શંકા છે, કારણ કે જ્યારે તે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં હતો ત્યારે તેના શરીર પર માર મારવાનાં નિશાન હતાં. આ મુદ્દે પોલીસને અવારનવાર લે‌િખતમાં રજૂઆત કરી તેમ છતાંય કોઇ કાર્યવાહી નથી કરતી. હાલમાં તો પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. આ શબ્દો છે-હાટકેશ્વર ધીરજ હાઉ‌િસંગમાં રહેતા વૃદ્ધના, જેમના દીકરાનું એક અઠવા‌િડયા પહેલાં શંકાસ્પદ મોત થયું છે.

હાટકેશ્વરમાં આવેલ ધીરજ હાઉ‌િસંગમાં રહેતા 41 વર્ષીય બીકેશ શિવકુમાર જોષી 18 સપ્ટેમ્બરના રોજ તેના દોસ્તો સાથે વિવેકાનંદનગર લક્ઝરીમાં ગયો હતો. વિવેકાનંદનગરથી પરત ફરતાં બીકેશ જોષી ચાલુ લક્ઝરીએ દરવાજાથી રોડ ઉપર પટકાતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 21 સપ્ટેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બીકેશનું મોત થયું હતું. વટવા જીઆઇડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનને મોકલી આપી હતી.

બીકેશના પિતા શિવકુમાર જોષીએ એવા આક્ષેપ કર્યા છે કે બીકેશનું અકસ્માત મોત નથી થયું, પરંતુ તેના દોસ્તોએ તેની હત્યા કરી છે. 18મીના રોજ જ્યારે બીકેશને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે તેનો દોસ્ત રોશન ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે તેને મારામારી થઇ છે. ત્યારબાદ તેણે કહ્યું હતું કે તેને અકસ્માત થયો છે અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યારે તે રોશનનાં બે અલગ અલગ નિવેદનોને લઇને જે ડ‌િવિઝન પોલીસ સ્ટેશનમાં અમે બીકેશને મારામારી થઇ હોવાની ફરિયાદ કરી હતી. પરિવારજનોએ આરોપ કર્યો છે કે બીકેશના શરીર પર માર મારવાનાં નિશાન છે, માટે તેની હત્યાની શક્યતા છે.

ટ્રાફિક પોલીસે જોષી પરિવારે કરેલા આરોપને જોતાં કેસની તપાસ વટવા જીઆઇડીસી પોલીસને સોંપી હતી. વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ. એ. શેખે જણાવ્યું છે કે બીકેશના મોતની તપાસ ચાલી રહી છે. ર‌િવવારે બીકેશ, મહેશ, રોશન અને સુનીલ લક્ઝરી લઇને વિવેકાનંદનગર દારૂ પીવા માટે ગયા હતા. દારૂ પીને પરત ફરતાં બીકેશ ચાલુ લક્ઝરીમાંથી પડી ગયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. હાલ તો લકઝરી બસ કબજે લેવામાં આવી છે ત્યારે ફરિયાદમાં જે શકમંદ યુવાનો છે તેની શોધખોળ ચાલુ છે. પીએમ રિપોર્ટ અાવ્યા પછી મૃત્યુનું ચોક્કસ કારણ ખબર પડશે.

You might also like