પરિવાર લગ્ન પ્રસંગમાં જતાં તસ્કરો હાથફેરો કરી ગયા

અમદાવાદ: જમાલપુરમાં આવેલાં મોટો મારુ વાસમાં રહેતો પરિવાર જુહાપુરા ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો ત્યારે તસ્કરોએ બંધ મકાનને ટાર્ગેટ બનાવી ઘરમાંથી રોકડ રૂ.૪૦,૦૦૦ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂ.૧.૮૪ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. ગાયકવાડ હવેલી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જમાલપુર મોટો મારુ વાસમાં હફિજાબીબી મહેબૂબ હુસેન શેખ (ઉ.વ.પ૦) પરિવાર સાથે રહે છે. ત્રણ દિવસ પહેલાં હફિજાબીબીના ભત્રીજા તેમજ ભત્રીજીનાં જુહાપુરા સંકલિતનગર ખાતે હોઇ તેઓ પોતાનું મકાન બંધ કરી જુહાપુરા ખાતે ગયા હતા. દરમ્યાનમાં બંધ મકાનને ટાર્ગેટ બનાવી દરવાજાનું તાળું તોડી ઉપરના માળે સીડીથી પ્રવેશી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂ.૪૦,૦૦૦ મળી કુલ રૂ.૧.૮૪ લાખની મતા સહિત ફરી ફરાર થઇ ગયા હતા.

ગઇ કાલે સાંજે પરિવાર ઘરે આવ્યો ત્યારે સામાન વેર-વિખેર હતો અને ઘરમાંથી દાગીના ગુમ હતા. આ અંગે પોલીસને જાણ કરાતા ગાયકવાડ હવેલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે હફિજાબીબીની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like