ભાવનગરમાં પરિવારનો સામૂહિક આપઘાત, પતિ-પત્ની-બાળકનું મોત, બે વર્ષની બાળકીનો બચાવ

ભાવનગરના લીલા સર્કલ નજીક આવેલી સત્યમ સોસાયટીમાં રહેતા અને અલંગમાં ક્રેપનો વેપાર કરતા એક વેપારીએ આર્થિક સંકડામણના કારણે પરિવાર સાથે આપઘાત કરી લીધો છે. વેપારીએ તેની પત્ની અને દીકરા સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. જ્યારે 2 વર્ષની માસૂમ દીકરીનો બચાવ થયો છે.

બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસને વેપારીના ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી હતી. જેની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. વેપારી નિલેશભાઈ ઉપાધ્યાય, તેમના પત્ની હિરલબેન અને પુત્ર ભાવિકનું મોત નિપજ્યું છે.

વેપારીએ પત્ની અને પુત્ર સાથે ઝેરી દવા પી લીધી હતી. જ્યારે તેમની બાળકીને તેમાં બાકાત રાખી હતી. જ્યારે તેમના બહેન સાંજે ઘરે આવ્યા ત્યારે કોઈએ દરવાજો ન ખોલતા કંઈક અજુગતું થયાની શંકા ગઈ હતી. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘરે પહોંચી હતી અને  બારીનો કાચ તોડીને ઘરનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં ઘરમાં એક સાથે ત્રણ મૃતદેહ પડયા હતા. જે જોઈને તેમની બહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે આ ઘટનામાં માસૂમ 2 વર્ષની દીકરી બચી ગઈ છે. જેને પોતાના માતા-પિતા ગુમાવ્યા છે.

આ માસૂમને તો ખ્યાલ પણ નથી કે ઘરમાં શું થઈ ગયું છે. આપઘાતની આ ઘટનામાં એક હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો. ઉલ્લેખનીય છે કે કારણ જે પણ હોય પરંતુ આપઘાત એ કોઈપણ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી.

You might also like