એલજીમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલી બાળકીનાં પરિવારજનોની અટકાયત

અમદાવાદ, ગુરુવાર
ગયા બુધવારની મોડી રાત્રે શહેરની મ્યુનિસિપલ સંચાલિત એલ.જી. હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડમાં સારવાર દરમ્યાન બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. જોકે આ મામલે અઠવાડિયું વીતવા બાદ પણ ડોકટર વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરાતાં બાળકીના પરિવારજનોએ આજે એલ.જી. હોસ્પિટલમાં હોબાળો મચાવે તે અગાઉ સંકુલ બહાર જ પોલીસે તેમની અટકાયત કરી હતી.

અમરાઇવાડી વિસ્તારની બે વર્ષની રુહીનું એલ.જી. હોસ્પિટલ સારવાર દરમિયાન મોત થયું હતું, પરંતુ મોતના સમાચાર આપવા આવેલા ડો. જયંત પટેલ લથડિયાં ખાઇને ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જણાતાં રુહીના પરિવારજનોએ ડોકટરે નશાની હાલતમાં રુહીની સારવાર કરી હોવાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. આ મામલે ડોક્ટરની ધરપકડ કરી તેમના બ્લડનો રિપોર્ટ લીધો હતો.

ડોકટર જયંતે પણ મણિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.દરમ્યાન આ મામલે તંત્ર દ્વારા એલ.જી. હોસ્પિટલના સત્તાવાળાઓ કહે છે, ડો.જયંત પટેલના બ્લડ ટેસ્ટનો રિપોર્ટ મળ્યા બાદ જ ડોકટર સામે પગલાં લેવાશે. જ્યારે આસિસ્ટંટ આરએમઓ ડો. હાર્દિક પ્રજાપતિના મામલે ઉપરી સ્તરેથી નિર્ણય લેવાશે.

આ દરમિયાન મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.બી. બારડે જણાવ્યું કે ડોકટરે દારૂ પીધો છે કે નહીં તે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળી શકે. ડોકટરનું બ્લડ સિવિલ હોસ્પિટલમાં લીધા બાદ તેમણે દારૂ પીધો છે કે નહીં તે ચકાસણી માટે એફએસએલમાં મોકલી આપવામાં આવે છે.

You might also like