અમેરિકાની બેન્કમાં અંધાધૂંધ ફાયરિંગ: આંધ્ર પ્રદેશના યુવક સહિત ચારનાં મોત

ઓહિયો: અમેરિકાના સિનસિનાટી શહેરની એક બેન્કમાં એક ગનમેને અંધાધૂંધ ફાયરિંગ કરીને આંધ્ર પ્રદેશના એક યુવક, એક મહિલા સહિત ચાર વ્યક્તિની હત્યા કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ આરોપીને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ તેણે પોલીસની વાત માની ન હતી અને પોલીસે તેને ચેતવણી આપ્યા બાદ ઠાર કર્યો હતો.

આ ફાયરિંગમાં આંધ્ર પ્રદેશના ગુન્ટુર જિલ્લાના ૨૫ વર્ષીય યુવક પૃથ્વીરાજ કંદેવીનું પણ મોત થયું છે. અમેરિકામાં ભારતીય રાજદૂત સંદીપ ચક્રવર્તીએ પૃથ્વીરાજના મોતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે અમે સતત પોલીસ અને કંદેવીના પરિવારના સંપર્કમાં છીએ.

સિનસિનાટી શહેરના પોલીસ ચીફ ઈલિયટ ઈસાકે જણાવ્યું હતું કે આરોપીએ સૌથી પહેલાં ફાઉન્ટન સ્ક્વેર નજીક આવેલી ફિફ્થ થર્ડ બેન્કની બહાર ગોળીઓ ચલાવી હતી. ત્યારબાદ તે બેન્કમાં દાખલ થયો હતો અને ત્યાં પણ ફાયરિંગ કર્યું હતું. આરોપીની ઓળખ ૨૯ વર્ષીય ઓમર એનરિક સાન્ટાપરેઝ તરીકે થઈ છે.

તે ઓહિયોના નોર્થ બેન્ડ શહેરનો રહેવાસી હતો. પોલીસ હજુ એ વાતની પણ તપાસ કરી રહી છે કે આ આરોપીઓ બેન્કમાં નિર્દોષ લોકો પર ગોળીઓ કેમ ચલાવી અને આખરે તેનો ઈરાદો શું હતો. આ ઘટનામાં જોકે કોઈ પોલીસકર્મીને ગોળી વાગી નથી.

બેન્કમાં બનેલી આ ઘટનાથી સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે અને લોકો હજુ પણ ડરેલા છે. સિનસિનાટી શહેરના મેયર જોન ક્રેનલે જણાવ્યું હતું કે ફાયરિંગમાં એક મહિલા સહિત કુલ ચાર નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આખો ઘટનાક્રમ એટલી ઝડપથી બન્યો હતો કે કોઈને સાવચેત થવાની તક જ મળી ન હતી.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં ઘવાયેલા ચાર લોકોને સિનસિનાટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ફાઉન્ટન સ્ક્વેર નજીક એક દુકાનમાં કામ કરતી ઈબોની જિનયાર્ડે જણાવ્યું હતું કે ગોળીઓ છૂટવાનો અવાજ સાંભળીને તે અને અન્ય કર્મચારીઓ તુરંત જ જમીન પર સૂઈ ગયા હતા. ગનમેન તેમની સાવ નજીક હતો અને તેમને ગન પાઉડરની વાસ પણ આવતી હતી.

જિનયાર્ડના કહેવા પ્રમાણે જો તેમણે બહાર ભાગવાની કોશિશ કરી હોત તો આરોપીએ તેમને પણ ગોળી મારી દીધી હોત. અન્ય એક પ્રત્યક્ષદર્શી લિયોનોર્ડ કેને જણાવ્યું હતું કે તે બેન્કમાં પ્રવેશવા જ જતો હતો ત્યારે તેણે એક વ્યક્તિને અંધાધૂંધ ફાયરિંગ કરતો જોયો હતો.

એ વખતે એક મહિલા બેન્કમાં પ્રવેશી રહી હતી. તેણે એ મહિલાને સાવચેત કરીને રોકવાની કોશિશ કરી હતી પણ તેણે કાન પર હેડ ફોન લગાવેલ હોવાથી તેને બૂમ સંભળાઈ ન હતી અને તે બેન્કમાં પ્રવેશી હતી. આરોપીએ આ મહિલાને ગોળીઓથી વીંધી નાખી હતી.

You might also like