બોગસ પાસપોર્ટ સાથે પેરિસ જતા બે શ્રીલંકન સહિત ત્રણની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ બનાવીને પેરિસ જતા બે શ્રીલંકન સહિત ત્રણ શખ્સોની સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વસ્ટિગેશન (સીબીઆઇ)એ ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો ભેદ ખોલ્યો છે. મૂળ શ્રીલંકાના વતની અને દેશમાં રેફ્યૂજી બનીને રહેતા બન્ને શખ્સોએ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો, જેના આધારે વિઝા લઇને પે‌િરસ ફરાર થઇ જવાની ફિરાકમાં હતા.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વસ્ટિગેશનના ડીસીપી પી. કે. ગોડેશ્વરે સરદારનગર પોલીસ સ્ટેશનમાં બે શ્રીલંકન નાગ‌િરક અને તામિલનાડુમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં ખોટા ડોક્યુમેન્ટના આધારે બોગસ પાસપોર્ટ બનાવીને વિદેશમાં ભાગી જવાનું કવાતરું ઘડવાનો કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં રહેતા જોન્સન પીટર અને જોન્સન યુટાઇ લત્તા છેલ્લા ઘણા સમયથી તામિલનાડુ તથા ચેન્નઇમાં રેફ્યૂજી બનીને રહેતા હતા.

તામિલનાડુમાં રહેતા અકબર અબ્દુલ કરીમની મદદથી બન્ને વ્યકિતઓએ ખોટા દસ્તાવેજો ઊભા કરીને બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો. બોગસ પાસપોર્ટના આધારે પેરિસના વિઝા લઇને વિદેશમાં ફરાર થઇ જવાનું કાવતરું ઘડતા હતા. આ ઘટના સીબીઆઇ સમક્ષ આવતાં તેમણે ત્રણેય શંકમદ પર વોચ ગોઠવી હતી. બે દિવસ પહેલાં ત્રણેય વ્યકિતઓ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી હતી. જ્યાં બાતમીના આધારે સીબીઆઇની ટીમે તેમની ધરપકડ કરી હતી. ત્રણેયની પૂછપરછ કરતાં ત્રણેય જણા ભાંગી પડ્યા હતા અને સીબીઆઇ સમક્ષ બોગસ પાસપોર્ટ બનાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

સરદારનગર પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધમાં છેતર‌િપંડી, વિશ્વાસઘાત તથા કાવતરાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓએ કોની મદદથી પાસપોર્ટ બનાવ્યો છે જેવા અનેક મુદ્દા લઇને તેમના 4 દિવસના રિમાન્ડ કોર્ટ પાસેથી મેળવ્યા છે.

You might also like