બનાવટી સ્ટોરી ઊભી કરી ફરિયાદીએ ૪૭ લાખ ગુમ કર્યા

અમદાવાદ: રદ થયેલી 500 અને 1000ની કુલ 47 લાખની કિંમતની નોટ પોલીસના નામે લૂંટી જવાના ચકચારી કિસ્સામાં 7 વેપારીઓએ સેસન્સ કોર્ટના જજ ડી.બી.મહીડા સમક્ષ જામીનઅરજી ફાઇલ કરી છે. જામીનઅરજીમાં વેપારીઓએ ક્રાઇમ બ્રાંચ પર ખોટી ફ‌િરયાદ દાખલ કરી હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે ફરિયાદીએ બનાવટી સ્ટોરી ઊભી કરીને 47 લાખ રૂપિયા ગુમ કર્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે. સેશન્સ કોર્ટે સાત વેપારીઓની જામીનઅરજી મામલે ક્રાઇમ બ્રાંચને નો‌િટસ ઇશ્યૂ કરીને 10 ફેબ્રુઆરીના રોજ હાજર રહેવા આદેશ કર્યા છે.

ચાર દિવસ પહેલા 500 અને 1000ની 47 લાખ રૂપિયાની જૂની નોટ બદલાવવા માટે મિત્તલબહેન જયદીપભાઇ પટેલ એ‌િકટવા લઇને ગયા હતા, જેમાં સુભાષ‌િબ્રજ સર્કલ પાસે પોલીસની ઓળખ આપીને 47 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા. જયદીપ પટેલને 47 લાખ રૂપિયા બદલવા માટે આપનાર 7 વેપારીઓએ જયદીપ પાસે કડક ઉઘરાણી કરી હતી અને જયદીપને તેની જ ઓફિસમાં બેસાડીને ધોલધપાટ કરી હતી.

મિત્તલબહેને કમિશનર પાસે મદદ માગી હતી, જેમાં ક્રાઇમ બ્રાંચે જયદીપ પટેલને 7 વેપારીઓની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. મિત્તલબહેનની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાંચે 7 વેપારીઓ જિજ્ઞેશ પંડ્યા, વિનોદ પટેલ, પંકજ પટેલ, ઉમેશ પટેલ, મુકેશ મહેતા, પલ્લવ શાહ અને પ્રફુલ્લ પાંડેની ધરપકડ કરીને તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી હતી. વેપારીના વકીલ આર.કે.રાજપૂતે સેશન્સ કોર્ટમાં જામીનઅરજી ફાઇલ કરી હતી

જામીનઅરજીમાં ક્રાઇમ બ્રાંચે વેપારીઓ વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી છે તેવા આક્ષેપ કર્યા હતા. આ સિવાય ફરિયાદીએ બનાવટી સ્ટોરી ઊભી કરીને 47 લાખ રૂપિયા ગુમ કર્યા હોવાના આક્ષેપ કરાયા છે ત્યારે વેપારીઓ વિરુદ્ધમાં આઇપીસીની કલમ 386 પણ તદ્દન ખોટી રીતે લગાવી હોવાનો પણ જામીનઅરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સેશન્સ જજ ડી.બી.મહીડાએ વેપારીઓની જામીનઅરજી પર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને નો‌િટસ ઇશ્યૂ કરીને 10 ફેબ્રુઆરીના રોજ હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે.
http://sambhaavnews.com/

You might also like