ફેસબુક પર ફેક પ્રોફાઈલ દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી

અમદાવાદ: સોશ્યિલ મીડિયા પર યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે છેતર‌િપંડી થઇ હોવાના અનેક કિસ્સાઓ સમાજમાં બની રહ્યા છે. ફેસબુક પર અપરિચિત યુવકો સાથે ચે‌િટંગ કરતી યુવતીઓની આંખો ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે. જાણીતા ગુજરાતી સિંગર રોહિત ઠાકોરના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને એક યુવકે ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવીને છત્તીસગઢની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે છેતર‌િપંડી કરી છે. પ્રેમમાં પાગલ થયેલી યુવતીને અંતે ધોકો મળતાં તે છત્તીસગઢથી અમદાવાદ આવી પહોંચી છે.

છત્તીસગઢમાં રહેતી સ્વરૂપવાન યુવતી મોના (નામ બદલેલ છે) એક ખાનગી કંપનીમાં નોકરી છે. દોઢેક વર્ષ પહેલાં ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવનાર રોહન રાજ રાજપૂત નામના યુવક સાથે તેની દોસ્તી થઇ હતી. જોતજોતામાં બન્ને વચ્ચેની દોસ્તી પ્રેમમાં બદલાઇ ગઇ હતી. બન્ને જણાએ લગ્ન કરવાનું નક્કી કરી દીધું હતું અને ૧પ ઓગસ્ટના રોજ મોનાએ લગ્નની તૈયારી પણ કરી લીધી હતી. લગ્નના બે દિવસ પહેલા રોહન રાજે મોનાને ફોન કરી છત્તીસગઢ આવવાનો ઇન્કાર કરી દીધો હતો અને તેને બ્લડ કેન્સર હોવાથી યુએસ જવાનું થયું છે તેવું કહ્યું હતું.

લગ્નની વાટ જોઇને બેઠેલી મોનાએ રોહનને અનેક વખત છત્તીસગઢ આવવાનું કહ્યું હતું જોકે અનેક કારણો બતાવીને રોહને છત્તીસગઢ આવવાનો ઇન્કાર કરી દીધો હતો. મોનાને રોહન પર શંકા જતાં તેની તપાસ શરૂ કરી હતી, જેમાં તેને જાણવા મળ્યું હતું કે રોહને ફેસબુક પર જે ફોટોગ્રાફ્સ મૂક્યો છે તે ગુજરાતનો જાણીતો સિંગર રોહિત ઠાકોર છે. રોહને ફેસબુક પર રોહિત ઠાકોર અને મોનાના મોર્ફ કરીને ફોટોગ્રાફ્સ મૂક્યા હતા. રોહન તેની સાથે લગ્નનું પ્રોમિસ આપીને છેતર‌િપંડી કરી રહ્યો હોવાની જાણ થતાં તે અમદાવાદ આવી હતી અને સાયબર ક્રાઇમમાં તેના વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી.

આ મામલે મોનાએ જણાવ્યું છે કે છેલ્લા દોઢ વર્ષથી રોહને મને રોહિત ઠાકોરના ફોટોગ્રાફ્સ મોકલીને મારી સાથે છેતર‌િપંડી કરી છે. દોઢ વર્ષથી મેં રોહનને જોયો નથી અને જ્યાં સુધી હું તેને જોઇ ના લઉં ત્યાં સુધી છત્તીસગઢ પાછી નહીં જઉ. સાયબર ક્રાઇમે આ મામલે મોનાની ફરિયાદ લઇને તપાસ શરૂ કરી છે.

You might also like