મહેસાણાના કરલી ગામમાંથી નકલી નોટો છાપવાનું પ્રેસ પકડાતા ચકચાર

અમદાવાદ : દેશમાં હજુ 500-1000ની જૂની નોટો બંધ કરાયાને માંડ ગણતરીના દિવસો થયા છે. મોટી નોટો પર પ્રતિબંધના કારણે સમગ્ર દેશમાં છૂટાની ખૂબ તંગી પડી રહી છે. ત્યારે મહેસાણામાં નકલી નોટો છાપવાનો પ્રેસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જો કે આ પ્રેસમાં મોટી નોટ નહી પરંતુ નાની નોટો જેવી કે 10,20,50 અને 100ની નોટ જ છાપવામાં આવતી હતી.

જેમાં મહેસાણા જિલ્લાના ઊંઝાના કરલી ગામની સીમમાંથી નકલી નોટો છાપવાનું આ કારખાનું ઝડપાયું છે. હાલમાં પોલીસ દ્વારા કારખાનામાંથી શાહી, નકલી નોટો છાપવાનું મશીન અને અન્ય સાધનો કબજે લેવાયા છે. મળતી માહિતી મુજબ કારખાનામાં 10, 20, 50 અને 100 રૂપિયાની નકલી ચલણી નોટો છાપવામાં આવતી હતી. હાલ જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે જવા માટે રવાના થયા છે.

જો કે આ કારખાનું કેટલા સમયથી ચાલી રહ્યું હતું. જો ચાલતું હતું તો કોઇને જાણ હતી કે કેમ. આ સમગ્ર કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે. સહિતનાં મુદ્દાઓ પર પોલીસે તપાસ આધરી છે. ઉપરાંત સ્યાહી, પ્રિંટીંગ માટેના કાગળ અને પ્રેસ સહિતની સામગ્રી કબ્જે લીધી છે.

You might also like