સોશિયલ મીડિયા પર પ્રણવ’દાની મોર્ફ્ડ તસવીર વાઈરલ થઈઃ શર્મિષ્ઠાનો વિરોધ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યક્રમમાં ગઈ કાલે ગયેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં પુત્રી અને કોંગ્રેસી નેતા શર્મિષ્ઠા મુખરજીએ ફરી એક વાર ભાજપ-આરએસએસ સામે નિશાન તાક્યું છે.

ગઈ કાલે સંઘના કાર્યક્રમમાં પ્રણવ મુખરજી સામેલ થયા બાદ તુરત જ તેમનાં પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ એક તસવીર ટ્વિટ કરી હતી, જે વાસ્તવમાં પ્રણવ’દાની મોફર્ડ તસવીર હતી. આ તસવીરને ફોટોશોપ દ્વારા ટ્રીટ કરવામાં આવી હતી, જેમાં પ્રણવ મુખરજીને સંઘના અન્ય સ્વયંસેવકની જેમ અભિવાદન કરતાં દર્શાવવામાં આવ્યા હતા. વાસ્તવમાં પ્રણવ મુખજીએ આવું કંઈ કહ્યું ન હતું.

આ મોફર્ડ તસવીર શેર કરતાં શર્મિષ્ઠા મુખરજીએ જણાવ્યું હતું કે તેમને જે વાતનો ડર હતો તે જ થયું અને એટલે જ મેં મારા પિતાને અગાઉથી ચેતવ્યા હતા. તેમણે લખ્યું હતું કે હજુ થોડા કલાકો પણ વીત્યા નથી અને ભાજપ-આરએસએસના ‘ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટ’એ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે.

તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ચેડાં કરવામાં આવેલી તસવીરમાં એ‍વું જાણે દેખાઈ રહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ સંઘ નેતાઓ અને કાર્યકરોની જેમ અભિવાદન કરી રહ્યા છે અને આ તસવીરમાં પ્રણવ મુખરજીને પણ ધ્વજને પ્રણામ કરતાં દર્શાવવામાં આવ્યા છે એટલું જ નહીં, શર્મિષ્ઠા મુખરજીએ રુચિ શર્માનું એક ટ્વિટ રીટ્વિટ કર્યું છે, જેમાં બે તસવીર દર્શાવવામાં આવી છે. આમાંથી એક તસવીરમાં પ્રણવ મુખરજી સંઘની કાળી ટોપીમાં દેખાઈ રહ્યા છે.

પ્રણવ મુખરજીના આરએસએસ કાર્યક્રમમાં સામેલ થતાં પહેલાં શર્મિષ્ઠા મુખરજીએ તેનો વિરોધ કર્યો હતો. શર્મિષ્ઠાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે આજની ઘટના બાદ પ્રણવ મુખરજી એ વાતને સ્વીકારશે કે ભાજપ કેટલી હદે ગંદી રમત રમી શકે છે. આરએસએસવાળા પણ વિશ્વાસ કરશે નહીં કે તમે તમારી સ્પીચમાં તેમના વિચારોને એન્ડોર્સ કરી રહ્યા છો. તમારી સ્પીચ તો ભુલાઈ જશે, પરંતુ વિઝ્યુલ્સ હંમેશાં રહેશે અને તેમનાં નકલી નિવેદનો સાથે સર્ક્યુલેટ કરવામાં આવશે.

You might also like