બનાવટી લેટર દ્વારા ઓએનજીસીમાં નોકરી અપાવવાનું કૌભાંડઃ બે શખસ ઝડપાયા

અમદાવાદ: મહેસાણાના પાલાવાસણા સ્થિત ઓએનજીસીની મુખ્ય કચેરીમાં બનાવટી જોઈનિંગ લેટર સાથે નોકરી મેળવવા અાવેલા બે શખસને સુરક્ષા એજન્સીએ ઝડપી લઈ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મહેસાણા પોલીસે ત્રણ શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરી અા કૌભાંડમાં સંડોવાયેલાઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

મહેસાણા નજીક પાલાવાસણા ખાતે અાવેલી ઓએનજીસીની મુખ્ય કચેરીમાં બપોરના સુમારે બે શખસ નોકરીમાં હાજર થવા માટે અાવ્યા હતા. અા સમયે કચેરીના ગેટ પાસે ફરજ બજાવતા સુરક્ષા નિરિક્ષક ડી.ડી. જોષીને અા બંને યુવાનોએ પોતે નોકરીમાં હાજર થવા અાવ્યા હોવાનું જણાવી પોતાના નામના જોઈનિંગ લેટર્સ અાપ્યા હતા. લેટર જોતા સુરક્ષા નિરિક્ષકને ઓએનજીસીનો લોગો અને કેડીએમ ભવનના ઉલ્લેખ બાબતે શંકા જતાં છાનબીન કરવામાં અાવી હતી. જેમાં અા જોઈનિંગ લેટર બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. સુરક્ષા નિરિક્ષકે બનાવટી જોઈનિંગ લેટર સાથે અાવેલા ઊંઝાના અમુઢ ગામના વતની દિલીપ ઠાકોર અને રાધેસિંહ રાજસિંહને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન અા જોઈનિંગ લેટર રાજસ્થાનના જયપુર ખાતે રહેતા મનીષ શર્માએ અાપ્યો હોવાનું અને અા પેટે રૂપિયા એક લાખ ચુકવ્યા હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.

You might also like