નકલી આઈડીથી રેલવેની ટિકિટો જનરેટ કરવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ (આઇઆરસીટીસી)નું લાઈસન્સ પૂરું થઇ ગયું હોવા છતાં સોફ્ટવેરની મદદથી યુઝર આઇડી જનરેટ કરી રેલવે ટિકિટ કાઢવાનું કૌભાંડ આરપીએફએ ઝડપી પાડ્યું છે. પોલીસે કૃષ્ણનગરમાં રહેતા વેપારીની અંદાજિત ત્રણ લાખ રૂપિયાની રેલવેની ટિકિટો સાથે ધરપકડ કરી છે અને તેને જામીન પર મુક્ત કર્યો છે.

આરપીએફનાં સૂત્રોના જણાવ્યા મુજબ આરપીએફના સીઆઇપીએફ સંજય યાદવને બાતમી મળી હતી કે કૃષ્ણનગરમાં આવેલી એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં સોફ્ટવેર પરથી નકલી આઇડી બનાવી રેલવેની ટિકિટો કાઢી આપવાનું કૌભાંડ ચાલે છે, જેના આધારે આરપીએફની ટીમે નરોડા રોડ પર આવેલી મહાવીર ટ્રાવેલ્સ સર્વિસ નામની એક ઓફિસમાં દરોડો પાડી વેપારી ભૂમિત રાજેશકુમાર દોશી (ઉં.વ. ૨૮, રહે. ચિંતન ફ્લેટ, જૈન દેરાસર પાસે, કૃષ્ણનગર)ની ધરપકડ કરી હતી.

પોલીસે વેપારીની ઓફિસમાં તપાસ કરતાં ૭૧ રેલવેની ટિકિટો, જેની કિંમત રૂ. ૧.૬૩ લાખ અને ૩૭ વપરાયેલી ઇ-િટકિટો, જેની કિંમત ૧.૩૨ લાખ થાય છે તે મળી આવી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તે બિનઅધિકૃત રીતે રેલવેની ઇ-ટિકિટો કાઢી આપતો હતો. રેડ મિર્ચી સોફ્ટવેરના ઉપયોગથી તેણે આઇઆરસીટીસીનું નકલી આઇડી જનરેટ કર્યું હતું અને તેના પરથી તે ટિકિટો કાઢતો હતો.

આરપીએફના અધિકારીના જણાવ્યા મુજબ આરોપી ભૂમિતનું આઇઆરીસીટીસીનું લાઇસન્સ ગત નવેમ્બર માસમાં રદ થઇ ગયું હતું. બાદમાં નવું લાઇસન્સ લેવાની જગ્યાએ તેણે સોફ્ટવેરના ઉપયોગથી નકલી આઇડી બનાવી દીધું હતું અને લાખોની ઇ-ટિકિટ જનરેટ કરતો હતો. ઘણા લાંબા સમયથી આરોપી આ રીતે નકલી આઇડીના ઉપયોગથી ટિકિટો જનરેટ કરતો હતો. આઇઆરસીટીસીના નિયમ મુજબ ઓનલાઇન ટિકિટ ઉપર ૧૦ કે ૨૦ રૂપિયા જ વધુ લઇને ટિકિટ કાઢી આપી શકાય છે, પરંતુ આરોપી ટિકિટ ઉપર એક વ્યક્તિદીઠ ૫૦ કે ૧૦૦ રૂપિયાની વધુ કિંમત લઇ ટિકિટ કાઢી આપતો હતો.

આરપીએફની ટીમે આરોપી પાસેથી આશરે ત્રણ લાખની રેલવેની ટિકિટો, લેપટોપ, રાઉટર અને રોકડા રૂ. એક હજાર મળી ૩.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરીને જામીન પર મુક્ત કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like