બનાસકાંઠામાંથી નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઇ

અમદાવાદ :  બનાસકાંઠા જીલ્લામાં નકલી ઘીનું વેચાણ દિનપ્રતિ દિન વધી રહ્યુ છે. ત્યારે જે ખાતાઓ પર નકલી બનાવટી વસ્તુઓની રોક લગાવવાની જવાબદારી છે તેવા ખાતાઓ ઊંઘમાં છે. પોલીસ વારંવાર નકલી ઘી ઝડપીને જે ખાતાઓની જવાબદારી છે તેમને પડકાર ઉભો કર્યો છે. થોડા દિવસ અગાઉ ડીસા તાલુકા પોલીસે નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે બાદ ડીસાથી થોડે દુર આવેલા ચંડીસરમાં ગઢ પોલીસે એક ફેક્ટરીમાં રેડ કરતા પોલીસનાં હાથે શંકાસ્પદ ઘી ઝડપાયું છે.

આ ફેક્ટરીમાં 600થી વધારે અમુલ બ્રાન્ડનાં ઘીનાં ડબ્બા જોવા મળ્યા હતાં. ફેક્ટરી સંચાલકનું કહેવું છે કે તેઓ હેલ્થ નામની કંપનીનું ઘી બનાવે છે તો અમુલ કમ્પનીનાં ડબ્બા ક્યાંથી આવ્યા. આ ફેક્ટરીમાં અધિકારીઓ અને મીડિયાની ટીમ પહોંચી ત્યારે ફેક્ટરીમાં ઘી બનાવવાનું ચાલુ હતુ. આ મામલે ફુડ વિભાગને જાણ કરતા ફુડ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા નથી.

ઉપરાંત આટલા મોટા પ્રમાણમાં અમુલ ઘીનો જથ્થો આ ફેક્ટરીમાં ક્યાંથી આવ્યો? આ કમ્પનીમાં હેલ્થ નામની કંપનીનું ઘી બનાવવાનું ચાલુ હોય તો અમુલ ઘી કેમ લાવવામાં આવ્યુ તેવા અનેક પ્રશ્નો ઉભા થયાં છે. જે પ્રકારે આ ફેક્ટરીની અંદર ઘી બનાવવાની કામગીરી ચાલતી હતી. તેનાં પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ફેક્ટરીમાં બનાવવામાં આવતા ઘી સાથે મોટા ચેડાં થઈ રહ્યાં છે.

You might also like