મહેસાણા: ઊંઝામાંથી ઝડપાઇ નકલી જીરૂ બનાવતી ફેકટરી, ફૂડ અને ડ્રગ્સ વિભાગે કરી કાર્યવાહી

અમદાવાદ: ઊંઝા નજીકના ઉનાવા ગામે અઠોર જવાના રસ્તા પર આવેલા  ચાર ગોડાઉનો પર ફૂડસ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસે સંયુક્તપણે ઓચિંતા દરોડા પાડી વરિયાળીમાંથી ડુપ્લીકેટ જીરું બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે ફૂડસ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસને એવી ગુપ્ત બાતમી મળી હતી કે, ઊંઝા તાલુકાના ઉનાવા ગામે અઠોર ગામ તરફ જવાના રસ્તા પર સિધ્ધિ વિનાયક એસ્ટેટમાં આવેલા વિશ્વાસ નામના ૪૪, ૪પ, ૪૬ અને ૪૭ નંબરનાં ચાર ગોડાઉનોમાં વરિયાળીમાંથી નકલી જીરું બનાવવાનું કૌભાંડ છેલ્લા કેટલાક વખતથી ચાલી રહ્યું છે.

આ બાતમીના આધારે પોલીસે અને ફૂડસ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે અચાનક ઉપરોક્ત ચાર ગોડાઉન પર છાપો માર્યો હતો.  છાપો મારતા જ ગોડાઉનમાં કામ કરતા શખસો તેમજ ગોડાઉનનાં માલિકો રાત્રીના અંધકારનો લાભ લઇ નાસી છૂટ્યા હતા. માત્ર એક મજૂર પોલીસના હાથમાં આવ્યો હતો.

પોલીસે ચારેય ગોડાઉનની તલાશી લેતા ગોડાઉનમાંથી વરિયાળીનો જથ્થો તેમજ ૩૦૦ મણનો નકલી જીરાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત વરિયાળીમાંથી નકલી જીરું બનાવવા માટે વપરાતી સાધન-સામગ્રીઓ પણ મળી આવી હતી.

પોલીસે આશરે રૂ.પ લાખની કિંમતના છ હજાર કિલોની નકલી જીરાની ૧૦૦ બોરીઓ કબજે કરી લીધી હતી. પોલીસે ગોડાઉનના મા‌િલકોની સઘન શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ તમામ શખસો ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાથી કોઇનો અતોપતો મળ્યો નથી. પોલીસની રેડ પડતાં જ લોકોનાં ટોળેટોળાં ભેગા થયા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી નાસી છૂટેલા શખસોની શોધખોળ શરૂ કરી છે.

You might also like