વડોદરા : નકલી ખાદ્યતેલ વેચાણનું કૌભાંડ ઝડપાયું

વડોદરા : મંગળવારે સવારે ક્રાઇમ બ્રાંચે પાડેલા દરોડામાં ખાદ્યતેલ બજારમાં નામાંકિત વિમલ, અંકુર, તિરૂપતિ, કોર્ન હેલ્થ, ગોકુલ, મહારાણી વગેરે કંપનીઓના નામે નકલી સીંગતેલ અને કપાસીયા તેલ બનાવી તેનું વેચાણ કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. ભેળસેળ કરેલા તેલના એક ડબા પર રૃા. ૩૦૦ થી રૃા. ૪૦૦ સુધીનો નફો રળતી ટોળકીના બે સાગરિતો પૈકી એકને ક્રાઇમ બ્રાંચે તેલના ૧૦૯ ડબ્બા સાથે ઝડપી પાડ્યો છે. જ્યારે ફરાર થઇ ગયેલા સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

શહેર ક્રાઇમ બ્રાંચના પીઆઇ રાહુલ પટેલે જણાવ્યું હતું કે, શહેરીજનોના આરોગ્યને હાની પહોંચે તેવું તેલનું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેના આધારે તપાસ કરતા શહેરના હાથીખાના કુંભારવાડા ચાર રસ્તા પાસે કમલેશ રમેશચંદ્ર વંજાણી (રહે. વારસીયા)ની અમરાપુર ઓઇલ ડેપો નામની દુકાન આવેલી છે. જેમાં જાણીતી કંપનીઓના નામનો ઉપયોગ કરીને ભેળસેળ કરેલું તેલ વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો બહાર આવી હતી.

અમરાપુર ઓઇલ ડેપોમાંથી નકલી ખાદ્યતેલ બજારમાં વેચાતું હોવાની ચોક્કસાઇ થયા બાદ આજે મંગળવારે પોલીસે અમરાપુર ઓઇલ ડેપોમાં દરોડો પાડ્યો હતો. જેમાં નામાંકિત તિરૂપતિ, અંકુર, વિમલ, ગોકુલ જેવી કંપનીઓના નામના ડબ્બામાં ભેળસેળયુક્ત સીંગતેલ અને કપાસીયા તેલ જણાઇ આવ્યું હતું. પોલીસે ઓઇળ ડેપોમાંથી વિવિધ બ્રાન્ડેડ તેલ કંપનીઓના ૧૦૯ ડબામાં ભરેલો ખાદ્યતેલનો જત્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત ડેપોમાંથી વજન કાંટો, તેલ ભેળસેળ કરવાના સાધનો, તેલના ડબા સીલ કરવાનાસાધનો મળી કુલ રૃા. ૧,૧૪,૬૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચની ટીમે અમરાપુર ઓઇલ ડેપોમાં નોકરી કરતા ઇરફાન ગનીભાઇ વ્હોરા (રહે. ૩૬ ક્વાટર્સની સામે, મોટો મહોલ્લો, હાથીખાના)ની ધરપકડ કરી હતી. જ્યારે દુકાન માલિક કમલ વંજાણી હાજર ન હોઇ તેની શોધખોળ હાથ ધરી છે. હાથીખાનામાંથી ડુપ્લિકેટ તેલ વેચવાનું કૌભાંડ ઝડપાતા હાથીખાના બજારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

ક્રાઇમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષ પહેલાં પણ કમલેશ વંજાણી ડુપ્લિકેટ ખાદ્યતેલનું વેચાણ કરવામાં સિટી પોલીસના હાથે ઝડપાયો હતો. જેલયાત્રા બાદ તેણે પુનઃ ડુપ્લિકેટ સીંગતેલ અને કપાસિયા તેલ બ્રાન્ડેડ કંપનીઓના નામે વેચવાનું શરૂ કર્યું હતું. ભેળસેળયુક્ત તેલના ડબા વેચાણમાં તેઓને રૃા. ૩૦૦ થી રૃા. ૪૦૦નો નફો મળતો હતો.

You might also like