ગુજરાતમાં કૌશલ્ય વર્ધક તાલીમમાં કરાય છે છેતરપિંડી, બનાવાય છે ખોટા સર્ટિફિકેટ

અમદાવાદઃ શહેરમાં ગુજરાતમાં યુવકોને અપાતી કૌશલ્યવર્ધક તાલીમમાં છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે. અનુસુચિત જાતિનાં ઉમેદવારોને આ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં યુવકોનાં ખોટા સર્ટિફિકેટ બનાવીને ઠગાઈ કરાઈ રહી હતી. ઉમેદવારોની 100 ટકા હાજરી બતાવીને ઠગાઈ કરાતી હોવાંની વાત સામે આવી હતી. ACBએ હિંમતનગર અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાં સર્ચ કર્યું હતું. સાબરકાંઠા ACBમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી.

ગુજરાત સરકાર બેરોજગાર યુવાનોને રોજગારી પુરી પાડવા માટે વિવિધ યોજનાઓ હેઠળ તાલીમનાં અભ્યાસ કેન્દ્રો શરૂ કર્યાં છે પરંતુ એમાં મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. રાજ્યનાં ACB વિભાગે બાતમીનાં આધારે હિંમતનગર ખાતે આ અંગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જેમાં નાણાંની ગેરરીતિ થતી હોવાનાં દસ્તાવેજો સામે આવ્યાં છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનાં એસીપી ડી.પી ચુડાસમાએ જણાવ્યું કે હિંમતનગરમાં સંત શિરોમણી શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ યોજના હેઠળ કેટલીક સંસ્થાઓ અનુસુચિત જાતિનાં યુવાનોની ખોટી હાજરી બતાવીને નાણાંની ગેરરીતિ કરી છે. ખોટાં દસ્તાવેજ રજૂ કરીને ફિંગરપ્રિન્ટ લઈ ખોટી હાજરી બતાવવામાં આવે છે.

જે યુવાનો એક દિવસ પણ તાલીમ કેન્દ્રમાં હાજરી આપી નથી તેમની 100 ટકા હાજરી બતાવવામાં આવી રહી છે તેવાં દસ્વાતેજ પણ એસીબીનાં હાથે લાગ્યાં છે. માત્ર હિંમતનગર જ નહીં પરંતુ ગુજરાતનાં અન્ય જીલ્લાઓમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તેને નકારી શકાય નહીં.

સરકારે અનુસુચિત જાતિનાં યુવાનોને રોજગારી પુરી પાડવા માટે સંત શિરોમણી શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્યવર્ધક તાલીમ યોજના જારી કરી હતી. જેનું સંચાલન રાજ્યનાં સામાજીક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા કરવામાં આવે છે. રાજ્યનાં સામાજીક ન્યાય અને અધિકારતા વિભાગે આ યોજનાને અમલીકરણ માટેની જવાબદારી 4 એન.જી.ઓને આપી હતી. જેમણે હિંમતનગરમાં યુવાનોની ખોટી હાજરી બતાવી સરકાર પાસેથી પૈસા પડાવી લેતાં હતાં.

હિંમતનગરમાં ખોટી હાજરી બતાવી અનુસુચિત જાતિનાં યુવાનો પાસેથી પૈસા પડાવી લેનારાં 4 NGOનાં નામઃ
1. નિર્મલ ફાઉન્ડેશન
2. આઈ.સી.એ એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ
3. ઓમનીસોપ્ટ ટેક પ્રાઈવેટ લીમીટેડ
4.હ્યુમન ડેવેસ્પમેન્ટ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન

ACB દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને વાસ્વવિકતા સામે આવી તેનાંથી એક પ્રશ્ન જરૂર થાય છે કે શું સરકારી વિભાગ કોન્ટ્રાક્ટ કે કામકાજ કોઈ NGO કે સંસ્થાને આપ્યાં બાદ તેની તપાસ કરતાં નથી. સામાન્ય નાગરીકો દ્વારા આ વિશે જ્યારે ફરીયાદ કરવામાં આવે છે ત્યારે કેમ નોંધ લેવામાં આવતી નથી અને જો નોંધ લેવામાં નથી આવતી તો પછી એમાં ઉપરી કક્ષાનાં ભ્રષ્ટાચારની ગંધને પણ નકારી શકાય નહીં.

You might also like