નિષ્ઠા વિનાનું કાર્ય મીઠા વિહોણી વાનગી જેવું છે

વર્તમાન યુગમાં નિષ્ઠાનું સ્તર ઘણું જ નીચું જવાના કારણે માનવજીવનની અપેક્ષિત ઊંચાઈને આંબવાનું અંતર ઘટવાના બદલે વધી રહેલું જણાય છે. શિક્ષણમાં ‘શીખ’ તત્ત્વનું શોષણ થતાં પાયામાંથી જ અનિષ્ઠાનો આરંભ થઈ રહેલો જણાય છે. નૈતિક મૂલ્યોને સ્વાર્થના છાંટા ઊડવાથી તે નંદવાયાં છે. પરિણામે સંસારની આગવી અસ્મિતાને આંચ આવી છે.

નિષ્ઠાનું માપ વ્યક્તિને નિહાળીને કરવા કરતાં તેના દ્વારા થયેલાં કાર્યોને નિહાળીને વધુ સારી રીતે થઈ શકે છે. હલકું અને નબળું કાર્ય તેના કરનારની સાક્ષી પૂરે છે. જે માનવી દ્વારા બનેલી કૃતિ જેટલા અંશે સબળી કે નબળી જોવામાં આવે તેટલા જ અંશે તે માનવીની નિષ્ઠા સબળ કે નિર્બળ ગણાય છે, જેના સાક્ષી તરીકે હજારો વર્ષ અગાઉના અનેક અવશેષો, જાહેર બાંધકામો આજ પર્યંત ઉન્નત શિરે ઊભાં છે.

જેમ મીઠામાં બધા જ રસ રહેલા છે. મીઠા વિહોણી કોઈ પણ વાનગી લુખી લાગે છે. જેમ ખોરાકની વાનગીમાં મીઠું જરૂરી છે તેમ માનવીના કર્તવ્યમાં નિષ્ઠા જરૂરી છે. નિષ્ઠા વિનાનું કાર્ય મીઠા વિહોણી વાનગી જેવું છે. નિષ્ઠા પરમાત્મા તરફથી મળેલી સંજીવની સમકક્ષ છે. તે દરેક કાર્યમાં પ્રાણ પૂરે છે. નિષ્ઠા એ ઈશ્વરદત્ત પ્રેરણા હોવા ઉપરાંત માનવતાલક્ષી ઉદાત્ત ભાવના છે. માનવીની નિષ્ઠા કે નિષ્ઠુરતા તેનાં વાણી-વર્તન અને સ્વભાવ પરથી દેખાઈ આવે છે.

આજની કેળવણી અને લાયકાતો જુઓ, ચોરી કરીને પાસ થયેલ વિદ્યાર્થી કે બોગસ સર્ટિફિકેટ દ્વારા પ્રાપ્ત કરેલી પદવી. આ બંને શાહી વગરની પેન અને કાગળના ફૂલ જેવાં છે. નિષ્ઠાના મીઠા વગર વિદ્યાની વાનગીમાં સ્વાદ આવતો નથી. ડિગ્રી કરતાં લાયકાત વધુ મહત્ત્વની છે. ડિગ્રી અને લાયકાત બંને અલગ અલગ બાબતો છે. ડિગ્રી નોકરી અપાવે છે અને લાયકાત માનવતાલક્ષી છે. અનિષ્ઠા કુટેવોને જન્માવે છે. કુટેવ એ સ્વભાવનું કેન્સર છે, તેનાથી શરીરનું કેન્સર પણ થઈ શકે છે.

આજની કેળવણી, વિદ્યાધામો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીગણમાં સંપૂર્ણ નિષ્ઠાનું હોવું અતિ આવશ્યક છે. નિષ્ઠાવાન વ્યક્તિ સૌને આકર્ષે છે. ફરજ અને નિષ્ઠા બંને જોડિયાં બહેનો જેવી છે. નિષ્ઠા વિહોણી ફરજ તે વેઠ સમાન છે. વેઠ એટલે વૈતરું અથવા ગુલામી કહી શકાય. આમ જોઈએ તો નિષ્ઠા એ પ્રેમની પુત્રી છે અને પ્રેમ એ પરમાત્માનું રૂપ છે. નિષ્ઠા એ પ્રકાશમાંથી પેદા થતું કિરણ છે અને અનિદ્રા એ અંધકારમાંથી પેદા થતું કાળું કલંક છે. નિષ્ઠા શ્રદ્ધા, ભક્તિ, ખંત અને વફાદારીને જન્મ આપે છે અને અનિદ્રા એ મોટા ભાગે હિંસા, કઠોરતા અને નિષ્ઠુરતાને જન્મ આપે છે.

You might also like