લોકમેળો ભરાય તે પહેલાં જ તંત્રને કરોડોની આવક

રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીના દિવસોની રોનક કંઈક જુદી જ હોય છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સપ્તાહ સુધી ઉમંગનો માહોલ હોય છે. જેમાં રાજકોટના લોકમેળાનું સ્થાન વિશેષ હોય છે. લાખો લોકો આ લોકમેળો માણવા આવતા હોઈ પ્રાંતમાંથી વેપારીઓ પણ અહીં સ્ટોલ ઊભા કરે છે. રમકડાં અને ખાણીપીણી અને અન્ય સ્ટોલ ઊભા કરનાર વેપારીઓ તો મેળો ભરાય ત્યારે કમાણી કરશે, પરંતુ તે પહેલાં વહીવટીતંત્રને કરોડોની આવક થઈ ગઈ છે.

રાજકોટના રેસકોર્સ મેદાનમાં છ દિવસ સુધી યોજાનાર લોકમેળામાં આ વર્ષે યાંત્રિક રાઈડના ૪૪, રમકડાંના ર૧૦ સહિત કુલ ૩ર૧ સ્ટોલ ઊભા કરાયા છે. વહીવટીતંત્ર દ્વારા છેલ્લા એક માસથી આ માટે તૈયારી ચાલી રહી છે. સ્ટોલ્સ માટે આ વર્ષે ૪ હજાર જેટલાં ફોર્મ વેચાતા રૂ. બે લાખની આવક માત્ર ફોર્મમાંથી જ થઈ છે.

તો સ્ટોલ્સની હરાજીમાંથી વધુ રૂ. ૮૮ લાખની આવક થઈ છે. આમ, હરાજી અને ફોર્મ ઉપરાંત સ્ટોલ્સ ભાડું એમ ત્રણેય આવક મળીને આશરે દોઢ કરોડ જેટલી આવક તંત્રને થઈ ગઈ છે. મેળો પૂરો થયા બાદ હિસાબકિતાબ કરવામાં આવે છે અને જે નફો થાય તે શહેરના વિકાસાર્થે ખર્ચવામાં આવે છે. આમ, તંત્રએ મેળા પહેલાં જ નફો રળી લીધો છે.

You might also like