ઈન્ટેલિજન્સ એજન્સીઓના એલર્ટને સમજવાની નિષ્ફળતા કે પછી ચૂક?

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો દેશ આક્રોશમાં છે અને દરેક નાગરિક ૩૭ જવાનની શહીદીનો બદલો માગી રહ્યો છે.

જૈશ જેવા આતંકી સંગઠન આટલા મોટા પ્લાનને અંજામ આપે અને દેશની ટોચની ઈન્ટેલિજન્સ અને સુરક્ષા એજન્સીઓને તેની જાણ ન થાય તે પણ ચોંકાવનારું છે. આખરે ઈન્ટેલિજન્સ એજન્સીઓના એલર્ટને ગંભીરતાથી કેમ લેવામાં ન આવ્યું તે સવાલ પણ ઉઠી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે. ઈન્ટેલિજન્સ એજન્સીઓને પહેલેથી જ આ પ્રકારના મોટા આતંકી હુમલાની આશંકા હતી જ. ગત ૮ ફેબ્રુઆરીએ એજન્સીઓ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ આઈઈડી બ્લાસ્ટથી હુમલો કરી શકે છે.

એલર્ટમાં જણાવાયું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સુરક્ષાદળો (ખાસ કરીને સીઆરપીએફ)ના ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા-જવાના રસ્તા પર ક્યાંય પણ આઈઈડી બ્લાસ્ટ કરીને મોટો હુમલો કરે તેવી શક્યતા છે.

ઈન્ટેલિજન્સ એજન્સીઓના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેરરિસ્ટ મોડ્યુલમાં મોટા ફેરફાર થયા હોવાની બાતમી પણ કેન્દ્ર સરકાર અને સંરક્ષણ વિભાગ ઉપરાંત સુરક્ષા એજન્સીઓને આપવામાં આવી હતી.

એજન્સીઓના આ ઈનપુટ્સ અને એલર્ટને સમજવામાં મોટી ચૂક થઈ ગઈ અને પરિણામે પુલાવામા હુમલો સંભવ બન્યો. સીઆરપીએફના રૂટની આટલી પરફેક્ટ માહિતી આતંકીઓ પાસે ક્યાંથી આવી તે પણ બહુ મોટો સવાલ છે.

You might also like