રસોઈમાં સોનેરી રંગતનો રાજા તેલ

આજકાલ માર્કેટમાં ઘણાં બધાં ખાદ્યતેલ ઉપલબ્ધ છે. તેમાંથી તેલની પસંદગી કરતાં પહેલાં ઘણા લોકોનાં મનમાં ઘણી શંકાઓ હોય છે, પરંતુ આહાર માટે વપરાતા દરેક તેલના સારાનરસા ગુણધર્મો હોય છે. જેમાંથી કેટલાક હાર્ટ માટે સારા તો કેટલાક નુકસાનકારક બની રહે છે. તો જાણીએ તેલ અંગેની વિગતવાર માહિતી ન્યુટ્રિશિયન લીઝા શાહ પાસેથી.

હેલ્ધી રહેવા કયું તેલ વાપરશો?
દરેક તેલમાં જુદાં જુદાં પોષકતત્ત્વો હોય છે અને તે શરીર માટે જુદી જુદી રીતે ઉપયોગી રહેતાં હોય છે. કોઈ તેલ વધુ સ્વાદિષ્ટ હોય છે તો કોઈ વધુ પોષકમૂલ્યોવાળું. આપણને હંમેશાં જુદાં જુદાં તેલની જરૂરિયાત રહેતી હોય છે. આમ જણાવતાં ન્યુટ્રિશિયન લીઝા શાહ કહે છે કે, “સારી ફેટ-મોનો સેચ્યુરેટેડ ફેટ અને પોલિ સેચ્યુરેટેડ ફેટથી- હાર્ટના રોગ ઓછા થાય છે. ઓલિવ ઓઈલ, સનફ્લાવર ઓઈલ, સોયાબીન ઓઈલ, કોર્ન ઓઈલ અને રાઈસ ઓઈલમાં સારી ફેટ રહેલી છે. જ્યારે ખરાબ ફેટ સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સફેટ શરીર માટે નુકસાનકારક હોય છે. તેનાથી હાર્ટના રોગ થઈ શકે છે. ચીઝ, બટર, આઈસક્રીમ, રેડ મીટ વગેરેમાં ખરાબ ફેટ હોય છે. જે ટ્રાન્સફેટ અને હાઈડ્રોજનરેડ ઓઈલમાંથી બનાવવામાં આવે છે અને તે શરીર માટે નુકસાનકારક છે.”

તેલ સાથેના ફેક્ટ
તેલ સાથે કેટલાક શબ્દો જોડાયેલા છે. જે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. જેમ કે, કૉલેસ્ટ્રોલ – જે ફેટમાં જોડાયેલો એક સોફ્ટ પ્રકાર છે. જે લોહીમાં અને સેલ્સમાં આવેલું છે. શરીરને ચલાવવા માટે કૉલેસ્ટ્રોલ જરૂરી છે. કૉલેસ્ટ્રોલના સારું અને ખરાબ એમ બે પ્રકાર છે.

મોનો સેચ્યુરેટેડ ફેટી એસિડ જે હેલ્ધી ફેટી એસિડ છે અને ખરાબ કૉલેસ્ટ્રોલને ઓછું કરે છે જ્યારે પોલિ સેચ્યુરેટેડ ફેટી એસિડ જે સારા અને ખરાબ બંને કૉલેસ્ટ્રોલને ઓછું કરે છે. જો શરીરમાં સારું કૉલેસ્ટ્રોલ ઓછું થાય તો હાર્ટના રોગ વધી શકે છે. જ્યારે સેચ્યુરેટેડ ફેટ અને ખરાબ કૉલેસ્ટ્રોલ બંને શરીરમાં વધી જાય તો પણ લોહી જાડું થાય અને હાર્ટની તકલીફ થાય છે. આ સિવાય અનસેચ્યુરેટેડ ફેટી એસિડ સારું ગણાય છે જેના લીધે ખરાબ કૉલેસ્ટ્રોલ શરીરમાં વધતું નથી.

તેલના ફાયદા-ગેરફાયદા
દરેક તેલના વિવિધ ફાયદા અને ગેરફાયદા હોય છે. માટે સમય પ્રમાણે તેલનો બદલાવ કરવો હિતાવહ છે. થોડું થોડું જુદું જુદું તેલ વાપરવાથી તેના ફાયદા વધુ રહે છે, પરંતુ તેમાં સ્વાદ સારો આવતો નથી. આથી વસ્તુની બનાવટ પ્રમાણે રસોડામાં જુદાં જુદાં તેલ રાખવાં જોઈએ. આપણે જાણીએ છીએ કે ઓલિવ ઓઈલ શરીર માટે ફાયદાકારક છે પરંતુ તેને વધુ પડતું ગરમ કરવું હિતાવહ નથી. તો તેને સલાડ કે ઠંડી વસ્તુઓમાં વાપરવું. તળવા માટે સિંગતેલ વધારે હિતાવહ છે. તો ઘરના બીજા વપરાશ માટે તમે સનફ્લાવર, રાઈસબ્રાન જેવાં તેલ વાપરી શકો છો.

સપના બારૈયા વ્યાસ

You might also like