ક્રિકેટ સટ્ટામાં દેવું વધતાં ફેક્ટરી માલિકનો આપઘાત

અમદાવાદ:  શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા એક ફેકટરી માલિકને ક્રિકેટ સટ્ટામાં દેવું થઇ જતાં તેઓએ ફેકટરીમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તેઓએ ચિઠ્ઠી લખી હતી, જેમાં દેવું વધી જતાં આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. રામોલ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે.  વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શિવાલયપાર્ક વિભાગ-૧માં કમલેશભાઇ ભગવાનભાઇ પટેલ (ઉ.વ.૪પ) પરિવાર સાથે રહેતા હતા. કામલેશભાઇ વસ્ત્રાલમાં જ એક્રેલિકની બંગડીઓ બનાવવાની ફેકટરી ધરાવતા હતા. બે દિવસ પહેલા રાત્રીના સમયે તેઓ ફેકટરીએ હાજર હતા. દરમ્યાનમાં તેઓએ વહેલી સવારના સમયે ફેકટરીમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

ફેકટરીના માણસોએ આ અંગે પરિવારજનોને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા તેમજ રામોલ પોલીસને જાણ કરાતાં રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશ નીચે ઉતારી તપાસ કરતાં તેઓના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં ક્રિકેટના સટ્ટામાં દેવું થઇ જતાં તેઓએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. રામોલ પોલીસ સ્ટેશનના એએસઆઇ અમનખાને જણાવ્યું હતું કે ચિઠ્ઠીમાં માત્ર દેવાનો ઉલ્લેખ છે. કોને કેટલા રૂપિયા લેેવાના હતા અને કોને આપવાના હતા તેનો ઉલ્લેખ નથી.

http://sambhaavnews.com/

You might also like