ફેકટરી, ગોડાઉન અને બે મકાનનાં તાળાં તૂટ્યાં

અમદાવાદ: શહેરમાં તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો છે. નરોડા, મણિનગર અને સરદારનગર વિસ્તારને તસ્કરોએ ટાર્ગેટ બનાવી આશરે રૂ.આઠ લાખની માલમતાની ચોરી કરતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે નરોડા જીઆઇડીસીમાં આવેલ મેક પંપ ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરોએ ત્રાટકી કોપર વાયર, સળિયા સહિત આશરે રૂ.બે લાખની મતાની ચોરી કરી હતી. આજ વિસ્તારમાં જીઆઇડીસી નજીક આવેલ વેરહાઉસની બાજુના કમ્પાઉન્ડમાંથી આશરે રૂ. સાડા લાખની મતાના કેબલની પણ ચોરી થઇ હતી.

મણિનગરમાં સ્વામિનારાયણ મંદિર સામે આવેલ ચરોતર પટેલ સોસાયટીના એક મકાનનાં દરવાજાના નકૂચા તોડી તસ્કરોએ મંગલસૂત્ર, ચાંદીનાં વાસણો, ડોલર સહિત રૂ.૭પ,૦૦૦ની મતાની ચોરી કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત સરદારનગરમાં આવેલા સમરથનગરના એક મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી તાળાં તોડી ટીવી, ચાંદીના સિક્કા, રોકડ રકમ મળી આશરે રૂ.પ૦,૦૦૦ની માલમતાની ચોરી કરતાં પોલીસે સઘન તપાસ આદરી છે.

જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી એક રિક્ષાની સારંગપુર કલોથ માર્કેટ પાસેથી એક લોડિંગ રિક્ષાની અને જશોદાનગર ચોકડી પાસેથી એક બાઈકની ઉઠાંતરી થતા પોલીસે આ અંગે ગુના દાખલ કર્યા હતા.

You might also like