અલજઝીરા સ્ટિંગઃ પાંચ ઇન્ટરનેશનલ ખેલાડી પર ફિક્સિંગનો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ અલજઝીરા દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલી એક ડોક્યુમેન્ટરી (ક્રિકેટ મેચ ફિક્સિંગ)ના આધાર પર સજ્જનોની કહેવાતી રમત ક્રિકેટ પર ઘણા ગંભીર આરોપ લાગી રહ્યા છે. ૫૬ મિનિટની આ ડોક્યુમેન્ટરીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નાણાંની લાલચમાં આવીને ક્યૂરેટરોએ તેમને કહેવામાં આવ્યું તેવી પીચ બનાવી.

બે દિવસ પહેલાં આવેલા સમાચાર મુજબ આ આરોપ શ્રીલંકાના ગોલ ક્રિકેટ સ્ટેડિયમ પર લગાવવામાં આવ્યો હતો, પરંતુ હવે ભારતમાં પણ પીચ ફિક્સિંગની વાત સામે આવી છે. એક અંગ્રેજી અખબારે અલજઝીરાની આ ડોક્યુમેન્ટરીના આધાર પર અહેવાલ આપ્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૬માં ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ અને વર્ષ ૨૦૧૭માં રાંચીમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન પીચ ફિક્સિંગ કરવામાં આવ્યું હતું.

પાંચ ક્રિકેટર પર પણ આરોપ
આ ડોક્યુમેન્ટરીના આધારે પાંચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પણ ફિક્સિંગનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જેમાં બે ક્રિકેટર ઓસ્ટ્રેલિયાના છે, જ્યારે બાકીના ત્રણ ક્રિકેટર ઈંગ્લેન્ડના બતાવવામાં આવી રહ્યા છે, જોકે અલજઝીરાએ આ ક્રિકેટરનાં નામ જાહેર કર્યાં નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અલજઝીરાએ આ પાંચેય ક્રિકેટરનાં નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને મોકલી આપ્યાં છે.

આઇસીસીએ તપાસ શરૂ કરી
આ આરોપો અંગે આઇસીસીએ તપાસ શરૂ કરી દીધી છે, જોકે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ આ બાબતે ‘થોભો અને રાહ જુઓ’ના મૂડમાં છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં રમાયેલી જે બે મેચ અંગે ફિક્સિંગની વાત કરવામાં આવી રહી છે એમાંની પહેલી મેચનું આયોજન ૧૬ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૬ દરમિયાન ચેન્નઈમાં કરાયું હતું, જ્યારે બીજી મેચનું આયોજન ૨૬ થી ૨૯ જુલાઈ, ૨૦૧૭ દરમિયાન રાંચીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયું હતું.

ડેવિડ હેરિસને ખુલાસો કર્યો
અલજઝીરા તરફથી ડેવિડ હેરિસન નામના એક પત્રકારે આ સ્ટિંગ ઓપરેશન કર્યું છે. હેરિસનના ખુલાસાથી હજુ તો ચારે બાજુ ચુપકીદી છવાયેલી છે, પરંતુ જો આ આરોપ સાચા સાબિત થશે તો સમગ્ર ક્રિકેટજગતમાં ફરી એક વાર સનસનાટી મચી જશે એ નક્કી છે.

શ્રીલંકન ક્રિકેટ બોર્ડ એક્શનમાં
શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે એક ખેલાડી અને એક ગ્રાઉન્ડમેનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે, જે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટના પરિણામને પ્રભાવિત કરવા માટે પીચ સાથે છેડછાડ કરવા તૈયાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે તેમણે ગાલે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમના ક્યૂરેટરની સાથે એ પ્રોફેશનલ ખેલાડીને પણ સસ્પેન્ડ કરી દીધો છે, જે ક્રિકેટમાં ભ્રષ્ટાચાર અંગે અલજઝીરાની ડોક્યુમેન્ટરીમાં જોવા મળ્યો હતો.

You might also like