ફેસબુકે ભારતમાં એકસપ્રેસ વાઇ ફાઇ સર્વિસ શરૂ કરી

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા નેટવર્ક કંપની ફેસબુકે પોતાની ‘એકસપ્રેસ વાઇ ફાઇ’ સેવા ગુરુવારથી ભારતમાં શરૂ કરી છે. આ યોજના હેઠળ કંપની દેશના ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાહકોને સાર્વજનિક હોટસ્પોટ દ્વારા ઇન્ટરનેટની સુવિધા આપશે. કંપનીએ આ પહેલ પોતાના વિવાદાસ્પદ ‘ફ્રી બેઝિકસ’ કાર્યક્રમના લગભગ એક વર્ષ બાદ કરી છે, જે તેને પાછો ખેંચવો પડ્યો હતો.

ફ્રી બેઝિકસમાં પસંદગીની વેબસાઇટ સુધી ફ્રીમાં ઇન્ટરનેટ અપાતું હતું. પરંતુ એકસપ્રેસ વાઇ ફાઇ ‘પેડ’ મોડલ પર કામ કરે છે અને તેમાં ઇન્ટરનેટ પહોંચ કોઇ વેબસાઇટ વિશેષ સુધી સીમિત નથી. આ યોજના હેઠળ લોકો સાર્વજનિક વાઇ ફાઇ હોટસ્પોટની સેવા લેવા માટે દૈનિક, સાપ્તાહિક કે માસિક ડેટા પેક ખરીદી શકે છે.

ફેસબુકે પોતાની આ પહેલ હેઠળ ટેલિકોમ કંપની એરટેલને ભાગીદાર બનાવી છે. કંપની આગામી થોડા મહિનાઓમાં ર૦,૦૦૦થી વધુ વાઇ ફાઇ હોટસ્પોટ લગાવશે. ફેસબુકના પ્રમુખ (એશિયા પ્રશાંત) કનેક્ટિવિટી સોલ્યુશન મુનીષ શેઠે જણાવ્યું કે ભારતમાં લગભગ ૧.૩ અબજની વસતી છે, પરંતુ માત્ર ૩૯ કરોડ લોકો જ ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. એકસપ્રેસ વાઇ ફાઇ દ્વારા ફેસબુક સમાજના એ લોકો સુધી ઇન્ટરનેટ કનેક્ટિવિટી લઇ જવા ઇચ્છે છે જે અત્યાર સુધી તેનાથી વંચિત છે.
http://sambhaavnews.com/

You might also like