ફ્રી બેઝિક્સ બંધ થતાં ફેસબુક ઇન્ડિયાની હેડ કીર્તિગા રેડ્ડીનું રાજીનામું

નવી દિલ્હી: ફેસબુકની ભારતમાં પહેલી કર્મચારી રહી ચૂકેલી કીર્તિગા રેડ્ડીઅે રાજીનામું અાપી દીધું છે. નેટ ન્યુટ્રલિટીની ફેવરમાં અાવેલા ટ્રાઈના તાજેતરના ચુકાદાથી ફેસબુકને ઝટકો લાગ્યો છે. કંપનીઅે તાજેતરમાં ફ્રી બેઝિક્સને ભારતમાં બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કીર્તિગાઅે કંપની છોડી દીધી, જો કે તે ફેસબુકના જ મેનલો પાર્ક હેડક્વાર્ટસમાં નવા અવસરો ઇચ્છે છે. કીર્તિગા મહારાષ્ટ્રના નાંદેલમાં ઊછરી છે. તેણે એન્જિનિયરિંગ બાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમબીઅે કર્યું છે.

૨૦૧૧માં તે ફોર્ચ્યુનની ૫૦ તાકાતવાર મહિલાઅોનાં લિસ્ટમાં સામેલ હતી. કીર્તિગાઅે રાજીનામાની જાહેરાત સાથે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘મને ખબર જ હતી કે એક દિવસ પાછું યુઅેસ જવું પડશે. અાગામી ૬થી ૧૨ મહિના કંઈ જ નહીં બદલાય.’ હું મારી પુત્રીઅોની સાથે રહીશ. મેં મેનલો પાર્કમાં ફેસબુકમાં નવા અવસરો શોધવાનું શરૂ કરી દીધું છે.

કંપનીનાં સૂત્રો મુજબ કીર્તિગા રાજીનામું અાપશે તેવી અાશા નહોતી. અાજ કારણે કંપનીઅે તેના પછીના નામની હજી જાહેરાત કરી નથી. કીર્તિગા રેડ્ડી ભારતમાં ફેસબુકની પહેલી કર્મચારી છે. અોફિસના પહેલા દિવસે તેણે ફેસબુક અોફિસનો ગેટ જાતે ખોલ્યો હતો. ફેસબુક પહેલાં તે મોટોરોલામાં પ્રોડક્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની ડિરેક્ટર હતી. અા પહેલાં સિલિકોન ગ્રાફિક્સ અને ફિનિક્સ ટેકનોલોજીમાં કામ કરી ચૂકી છે.ફ્રી બેઝિક્સને લઈને ટ્રાઈ પર દબાણ વધારવા ફેસબુક પર મોટું અભિયાન ચલાવ્યું હતું. ફેસબુકે ન્યૂઝ પેપરમાં મોટી મોટી એડ અાપી હતી.

You might also like