બાળપણ એક વાર મળે છે, ચિંતામાં ન વેડફીશઃ ઝકરબર્ગનો દીકરીને પત્ર

કેલિફોર્નિયા: ટેકનોલોજી ક્ષેત્રે ટોચનું નામ બની ગયેલી ફેસબુકના કો.ફાઉન્ડર અને કર્તાહર્તા માર્ક ઝકરબર્ગ બીજી વખત પિતા બન્યા છે. તેમના ઘરે દીકરીનું અાગમન થયું છે. ઝકરબર્ગે અા અંગેની જાણકારી ફેસબુક એકાઉન્ટ દ્વારા અાપી. માર્કે પોતાની પુત્રી સાથે ફેમિલી ફોટો ફેસબુકમાં શેર કર્યો છે. તેણે પુત્રીને ‘અગસ્ટ’ નામથી બોલાવી છે.

ઝકરબર્ગની પહેલી પુત્રીનું નામ મેક્સિમા (મેક્સ) છે. ઝકરબર્ગે પત્ની પ્રિન્સિલા અને પોતાના તરફથી દીકરીના નામે એક ચિઠ્ઠી લખી છે. અને તેણે ફેસબુક પર શેર કરી છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે ડિયર અગસ્ટ અા દુનિયામાં તારું સ્વાગત છે. હું અને તારી માતા બંને અતિ ઉત્સાહિત છીઅે. જ્યારે તારી બહેનનો જન્મ થયો હતો ત્યારે પણ અમે દુનિયા અંગે પત્ર લખ્યો હતો. હવે તારો જન્મ થયો છે.

તું એક એવી દુનિયામાં રહીશ જ્યાં તને સારું શિક્ષણ મળશે. બીમારીઅો અોછી થશે, મજબૂત સમુદાય અને શ્રેષ્ઠ સમાનતાઅો હશે. તેં જે પેઢીમાં જન્મ લીધો છે તેમાં સાયન્સ અને ટેકનોલોજીમાં સતત પ્રગતિ થઈ રહી છે. અાવા સંજોગોમાં તું અમારા કરતાં વધુ સારી જિંદગી જીવીશ અને અાવું થવા દેવામાં અમારી જવાબદારી પણ મહત્વની છે.

મને ખ્યાલ છે કે હંમેશાં અલગ પ્રકારની વસ્તુઅો પર લોકોનું ધ્યાન કેન્દ્રીત હોય છે. પરંતુ મને વિશ્વાસ છે કે પોઝિટિવ ટેન્ડને જીત મળશે. અમે તમારી પેઢી અને ભવિષ્યને લઈને ખૂબ જ અાશાવાદી છીઅે. દુનિયા અેક ગંભીર જગ્યા છે તેથી જરૂર અે છે કે તું બહાર જઈને રમવાનો સમય કાઢે. તું જેમ જેમ મોટી થઈશ તેમ તેમ વ્યસ્ત બનતી જઈશ.

પત્રમાં અાગળ લખ્યું છે કે અાશા છે કે તું ફૂલોની ખુશબૂ જેવું અનુભવીશ અને બકેટમાં તને ગમે તેવાં પાંદડાં એકઠા કરી શકીશ. બહેન મેક્સની સાથે હિંચકા ખાઈશ અને તારી કહાણી જાતે બનાવીશ. તું લિવિંગ રૂમથી લઈને યાર્ડ સુધી અાખા ઘરમાં ત્યાં સુધી દોડીશ જ્યાં સુધી થાકી નહીં જાય. હું ઇચ્છં છું કે તું ખૂબ જ ઊંઘ લે. મને અાશા છે કે તું સુવાનું કામ ખૂબ જ સારી રીતે કરીશ. અમે ઇચ્છીઅે છીઅે કે તું સ્વપ્નાંઅોમાં પણ અનુભવી શકે કે અમે તને કેટલો પ્રેમ કરીઅે છીઅે અને એક ખાસ વાત બાળપણ ખૂબ જ જાદુ ભરેલું હોય છે. માત્ર એક જ વાર મળે છે તેથી તું ભવિષ્યની ચિંતામાં તેને બરબાદ ન કરીશ. તારા ભવિષ્યની ચિંતા માટે અમે બેઠા છીઅે. તારી પેઢી માટે અા દુનિયાને શ્રેષ્ઠ બનાવવા માટે અમે સંપૂર્ણ કોશિશ કરીશું. અગસ્ટ, વિ લવ યુ શો મચ. અમે અા યાત્રામાં તારી સાથે ચાલવા માટે અત્યંત ઉત્સાહિત છીઅે. તને એક ખુશીવાળી જિંદગી મળી શકશે. લવ યુ મોમ એન્ડ ડેડ.

You might also like