લેન્સ લાવશે આંખોને લાઇમલાઇટમાં

આંખો સુંદર દેખાય તે માટે દરેક યુવાન નિતનવા ઉપાયો કરતા હોય છે. ત્યારે આજકાલ યુવાનોમાં કલરિંગ લેન્સની બોલબાલા વધી છે. યુવાનો આમ તો દરેક નવા ટ્રેન્ડને લઇને ઉત્સુક હોય છે. તેમાં પણ આંખો માટે તો વધારે ધ્યાન આપતા હોય છે. ખાસ કરીને યુવતીઓ પોતાની આંખોને આકર્ષિત બનાવવા નવાનવા નુસખા અજમાવે છે. તો હવે આ દોડમાં યુવકો પણ પાછળ નથી. આજકાલ કલર લેન્સથી પોતાની આંખોને નવો લુક આપવા માટે યુવાનો ક્રેઝી બન્યા છે.

એક સમય હતો જયારે લેન્સનો ઉપયોગ માત્ર નંબરનાં ચશ્માંના વિકલ્પ રૂપે જ થતો હતો. હવે આ લેન્સ પણ શોખ અને અલગ લુક માટે પહેરાતા થઇ ગયા છે. કવિતા પટેલ કહે છે, “મારી આંખો ઘણી સુંદર છે તેવું બધાનું કહેવું છે પરંતુ મને મારી આંખોની કીકીનો બ્લેક કલર બિલકુલ પસંદ નથી. મને તો ડાર્ક બ્લૂ આંખો ઘણી ગમતી હતી પરંતુ એવી આંખો ક્યાંથી લાવવી?  હવે મારો આ શોખ પૂરો થયો છે. હું ડાર્ક બ્લૂ કલરના લેન્સ લાવી છું તેમાં મારો લુક થોડો હટકે લાગે છે. ખરેખર કહું તો મારા આ લેન્સ માટે હું ઘણી ક્રેઝી છું.”

અલગ કલરની આંખો કેવી લાગે તેવો વિચાર મને હંમેશાં આવતો  હતો એમ કહેતાં અમર કહે છે, “પહેલાં તો મને આ એક્સપરિમેન્ટ કરવાનું થોડું અજુગતું લાગ્યું પરંતુ શોખ તો મને પણ હતો. માટે મેં ડાર્ક બ્રાઉન કલરના લેન્સ પસંદ કર્યા. મારી કીકીનો કલર બ્લેક હતો. માટે આ નવો લુક મને સારો પણ લાગ્યો અને મારા સર્કલમાં પણ ચર્ચાનો વિષય બન્યો.” જ્યારે કેતકી જનક કહે છે “મારી આઇસ એકદમ બ્લૂ કલરની હતી. મને બધા બિલાડી કહેતાં. માટે મેં સાદા એવા બ્લેક લેન્સ લીધા. હવે તો કલરની અનેક રેન્જ મળે છે ને પસંદગી પ્રમાણે લઇ શકાય છે”.

કરિશ્મા લેન્સ એન્ડ ગોગલ્સની શોપ ધરાવતા ધર્મેશભાઈ કહે છે  “હું પણ પહેલાં અમુક જ કલરના લેન્સ રાખતો હતો પણ હવે યુવાનોની માગ પ્રમાણે અવનવા લેન્સ રાખું છું. જેમાં બ્લેક,પર્પલ, ડાર્ક બ્રાઉન, ગ્રીનેસ બ્લૂ, એમેથિસ્ટ, ટર્કોઇશ, ગ્રીન, ગ્રે, હની, પ્યોર હેઝલ, ટ્રુ સેફાયર, પર્કી બ્રાઉન, ગ્રોવી ગ્રીન, સ્કાય બ્લૂ જેવા અનેક કલરના લેન્સ મળે છે. જેની કિંમત રૂપિયા ૪૦૦થી ૪૦૦૦ સુધીની હોય છે. જેવી માગ તેવા લેન્સ. હવે યુવાનો નવા લુક માટે લેન્સ વાપરતા થયા છે”.

ટૂંકમાં, ચશ્માંના વિકલ્પ રૂપે નંબરના લેન્સ આવ્યા ને હવે નંબરના લેન્સની સાથે વિવિધ રંગના લેન્સ યુવાનોના નજરે ચઢ્યા છે.

હેતલ રાવ

http://sambhaavnews.com/

You might also like