અમદાવાદ-કચ્છ હાઇવે પરથી દૂધનાં ટેન્કરમાં વિદેશી દારૂની હેરફેરીનો પર્દાફાશ

અમદાવાદ: અમદાવાદ-કચ્છ હાઇવે પર હળવદના શક્તિનગર પાસે દૂધનાં ટેન્કરમાં વિદેશી દારૂની હેરફેરીનો પર્દાફાશ હળવદ પોલીસે કર્યો છે. પોલીસે ૪પ૦ વિદેશી દારૂ અને બિયરની પેટી તેમજ ટેન્કર સાથે એક શખ્સને ઝડપી લઇ કુલ રૂપિયા ૩પ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ પાસેથી પસાર થતા કચ્છ હાઇવે પર દૂધનાં ટેન્કરમાં વિદેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમી હળવદ પોલીસના વનરાજસિંહ બાબ‌િરયા અને દેવેન્દ્રસિંહને મળી હતી, જેના આધારે પોલીસે શક્તિનગર પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળા શંકાસ્પદ ટેન્કરને અટકાવી તેમાં તલાશી લીધી હતી.

તપાસ દરમ્યાન પોલીસને ૪પ૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા અને ટેન્કર સ‌િહત કુલ રૂપિયા ૩પ લાખથી વધુના મુદ્દામાલ સાથે ટેન્કરચાલક લડુરામ તુષારામ બિશ્નોઇની ધરપકડ કરી દારૂ ક્યાંથી ભરીને લાવ્યો હતો અને કોને ત્યાં પહોંચાડવાનો હતો તેની તપાસ શરૂ કરી છે.

You might also like