તમે એક્સપ્રેસિવ છો? તો રોગથી બચશો

થોડા સમય પહેલાં થયેલા એક રિસર્ચમાં સાબિત થયું હતું કે પોતાની ફિલિંગ્સને જાહેર ન કરી શકતી વ્યક્તિઓને હાર્ટ અને ફેફસાંની બીમારી થઇ શકે છે. ઘણી વાર વ્યક્તિ પાર્કિન્સન્સ અને ઓટિઝમ જેવી બીમારીઓને કારણે લાગણી વ્યક્ત કરી શકતી નથી. આ એક તકલીફ બીજી ઘણી માનસિક બીમારીઓ ખેંચી લાવે છે.

ક્યારેક આપણે કોઈ વ્યક્તિ માટે બોલ્યા હોઇશું કે કોઇકના માટે સાંભળ્યંુ હશે કે આ તો પથ્થરદિલ છે અથવા તો તેને લાગણીઓની પડી જ નથી અથવા તો આ વ્યક્તિ જડ છે. લાગણી વ્યક્ત ન કરી શકવાની વાતને અંગ્રેજીમાં લેક ઓફ એક્સપ્રેશન કહે છે.

આ પરિસ્થિતિ કોઇ ને કોઇ રોગ સાથે સંકળાયેલી હોય છે. લેક ઓફ એક્સપ્રેશન પાછળ આમ તો ૮૦થી ૧૦૦ જેટલા રોગ જવાબદાર હોય છે. લાગણીઓને વ્યક્ત કરવા માટે આપણે જે પરિબળોનો ઉપયોગ કરીએ છીએ તેમાં ચહેરાના હાવભાવ સૌથી મહત્ત્વનું પરિબળ છે. જે લોકોના ચહેરા પર કોઈ હાવભાવ હોતા નથી તેને લાગણી તો હોય છે, પરંતુ તેઓ ચહેરાના હાવભાવ થકી વ્યક્ત કરી શકતા નથી. જે લોકો ફેસ એક્સપ્રેશન વ્યવસ્થિત ન આપતા હોય તેમને પણ હ્ય્દય અને ફેફસાંને લગતી બીમારીઓ થવાની શક્યતા હોય છે.

આ અંગે વાત કરતા અમદાવાદના જાણીતા સાઇકૉલૉજિસ્ટ અને હિપ્નોથેરાપિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે કે, “વ્યક્તિએ હકારાત્મક કે નકારાત્મક બંને લાગણીઓને કોઇ પણ રીતે બહાર લાવવી જરૃરી હોય છે. અંદર ને અંદર દબાવી રાખેલી લાગણીઓ કોન્સિયસ માઇન્ડમાંથી અનકોન્સિયસ માઇન્ડમાં જાય છે. આવી દમન કરાયેલી લાગણીઓ હૃદય અને ફેફસાં સહિત અનેક રોગને જન્મ આપી શકે છે. જે બાળકોનાં માતા-પિતા ગુસ્સાવાળા સ્વભાવનાં હોય અને બાળકો મા-બાપના ડરથી લાગણીઓ વ્યક્ત ન કરી શકતાં હોય તેવાં બાળકોને લાંબાગાળે ઘણી સમસ્યા થઈ શકે છે.”

જાણો પ્રોબ્લેમ ક્યાં છે?
કેટલાક લોકો લાગણી અનુભવે છે, પરંતુ તેને વ્યક્ત કરવામાં સક્ષમ હોતા નથી ઘણા એવા છે જે લાગણી અનુભવે છે અને વ્યક્ત કરે છે પરંતુ તેનો અમલ કરતા નથી. પતિ-પત્નીના સંબંધોમાં, બાળકો સાથેના સંબંધોમાં, સહકર્મચારીઓ કે સમાજ સાથેના સંબંધોમાં આવું ઘણી વાર બનતું હોય છે. ડૉ. ભીમાણી એમ પણ કહે છે કે, “આપણા સમાજમાં પહેલેથી જ છોકરાઓને વધુ પડતા એક્સપ્રેસિવ ન હોવાની ટ્રેનિંગ અપાય છે. તેમના ઇમોશન્સને બાંધી રાખવાનું કહેવાય છે જે અયોગ્ય છે. મોટા થતા આવાં બાળકો માનસિક કે શારીરિક રોગનો ભોગ બની શકે છે.”

લાગણીઓને વ્યક્ત કરવી એ સારી વાત છે, પરંતુ તેને કઈ રીતે વ્યક્ત કરો છો એ પણ એટલું જ જરૃરી છે. જો તમને કોઇ વ્યક્તિ પર ગુસ્સો આવ્યો અને તમે તેને લાફો મારી દો છો તે લાગણી વ્યક્ત કરવાની ખોટી રીત છે. તેથી લાગણી વ્યક્ત કરવા કરતાં તે કઈ રીતે વ્યક્ત કરવી એ કળા પણ શીખવી જરૃરી છે.

ભૂમિકા ત્રિવેદી

You might also like