એક્સપ્રેસ-વે પર ટ્રક પલટી જતાં બે કલાક ટ્રાફિક જામ

અમદાવાદ: અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઇ વે પર આણંદના સારસા ગામ પાસે આજે વહેલી સવારે ખાતર ભરેલી ટ્રક પલટી જતાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. અકસ્માત સર્જાતાં હાઇ વે પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં.
બનાવની જાણ ફાયર બિગ્રેડ અને એક્સપ્રેસ વે ઓથોરિટીને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને બુઝાવી ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બરોડા એક્સપ્રેસ વે ઉપર આણંદના સારસા પાસેથી ખાતર ભરેલી એક ટ્રક પસાર થઇ રહી હતી. દરમિયાન ડ્રાઇવર ટ્રક પરથી કાબૂ ગુમાવતાં ટ્રક ડિવાઇડરને અથડાઇ હતી અને ટ્રક પલટી ગઇ હતી. ટ્રક પલટી જતાં ટ્રકમાં શોર્ટ સર્કિટ થતાં એકાએક આગ લાગી હતી. આગ લાગતાં જ ડ્રાઇવર અને ક્લિનરે આ અંગે ફાયર બિગ્રેડને જાણ કરી હતી. ફાયર બિગ્રેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગને કાબૂમાં લીધી હતી.

અકસ્માત સર્જાતાં એક્સપ્રેસ વે ઉપર વાહનોની લાંબી લાઇન લાગી હતી. એક્સપ્રેસ વે ઓથોરિટીને તથા ટ્રાફિક પોલીસને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને વાહન વ્યવહારને પૂર્વવત કરાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. અકસ્માતમાં કોઇને જાનહાનિ થવા પામી નહોતી. બે કલાકની જહેમત બાદ ટ્રાફિકને પૂર્વવત કરાવવામાં આવ્યો હતો.

You might also like