એક્સપ્રેસ હાઈવે પર અાઇશર ગાડીએ દંપતીને અડફેટે લીધુંઃ બંનેનાં મોત

અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ બ્રિજ નીચે ઊભેલા દંપતીને અાઇશર ગાડીએ અડફેટે લેતાં અા બંનેનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના જોયલ ખાતે અાવેલ ઈન્દિરા કોલોનીમાં રહેતા બતિરામ લક્ષ્મણરામ મેઘવાળ તેમનાં પત્ની સુશીલાબહેન અને તેનો પિતરાઈ ભાઈ પરસોત્તમ પન્નારા અા ત્રણેય અમદાવાદથી કોઈ ખાનગી બસમાં બેસી એક્સપ્રેસ હાઈવે પર અાવેલ નડિયાદ બ્રિજ નીચે ઊતર્યા હતા. બતિરામ તથા તેના પરિવારના અા સભ્યોને નડિયાદ નજીક અાવેલ પલાણા ગામે સારવાર માટે જવાનું હોઈ વાહનની રાહ જોઈ રોડ પર ઊભા હતા.

અા વખતે અમદાવાદ તરફથી પુરઝડપે અાવી રહેલી અાઇશર ગાડીએ બતિરામ તથા તેની પત્નીને અડફેટે લેતાં ગંભીર ઈજા થવાના કારણે બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે પરસોત્તમનો અાબાદ બચાવ થયો હતો. બેફામપણે અાવેલી અાઇશર અન્ય એક કારને ટક્કર મારી રોડની રેલિંગ તોડી સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. અા અકસ્માતના કારણે રોડ ઉપર નાસભાગ મચી ગઈ હતી અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. પોલીસે બંને લાશને પીએમ માટે મોકલી અાપી ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like