વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરવાની યોજનાનો પર્દાફાશ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાના ખતરનાક કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઇન્ટેલીજન્સ બ્યુરો અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓ દ્વારા ભારતમાં ઘુસણખોરી કરવામાં સફળ થઇ ગયેલા ત્રણથી ચાર કુખ્યાત ત્રાસવાદીઓને પકડી પાડવા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસે બે ત્રાસવાદીઓને પકડી પાડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. અન્યોની શોધખોળ ચાલી રહી છે.

આઈએસઆઈ દ્વારા પણ ભારતમાં જાસૂસીની જાળ બિછાવવામાં આવી છે. મોદીની હત્યા કરવાના ઇરાદાથી ઘુસેલા ત્રાસવાદીઓની શોધખોળ ચાલી રહી છે. ગયા મહિનામાં ચાર ત્રાસવાદીઓ ઘુસણખોરી કરી ગયા હતા. આ લોકો તોઇબાના ત્રાસવાદી સાથે સંપર્કમાં હતા. ત્રાસવાદીઓએ બે યોજના બનાવી હતી જે પૈકી મોદી દ્વારા હાજરી આપવાના સ્થળ પર પેરિસ જેવા હુમલા કરવાની અને અંધાધૂંધ ગોળીબાર કરવાની યોજનાનો સમાવેશ થાય છે.

મોદીના સુરક્ષા છત્રને તોડવામાં નિષ્ફળતા મળે તો પોતાને ફૂંકી મારવા માટે એક ત્રાસવાદી તૈયાર કરાયો હોવાના અહેવાલ પણ મળ્યા છે. ત્રાસવાદીઓની બે ઘાતક યોજના કરાઈ હતી. ઇન્ટેલીજન્સ બ્યુરો અને દિલ્હી પોલીસે આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તોઇબા ઉપરાંત ઇસ્લામિક સ્ટેટને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. અલકાયદાનો ટેકો પણ મળી શકે છે. એજન્સીઓનું કહેવું છે કે, સામૂહિક અને અંધાધૂંધ ગોળીબારની શક્યતા વધારે રહેલી છે. પ્લાન એ અને પ્લાન બી તૈયાર કરાયા છે.

જે પૈકી પ્લાન એ નિષ્ફળ જાય તો અન્ય વિકલ્પના ભાગરુપે પ્લાન બીને અમલી કરીને અન્ય વીઆઈપી વ્યક્તિને ટાર્ગેટ બનાવવાની યોજનાનો સમાવેશ થાય છે. સ્પેશિયલ સેલ દ્વારા પહેલી ડિસેમ્બરના દિવસે તોઇબા અને તેના સાથીઓ સામે એફઆઈઆર દાખલ કરાઈ હતી. એફઆઈઆરમાં કેસના પ્રથમ તપાસ અધિકારીઇન્સ્પેક્ટર સતીષ રાણાએ કહ્યું છે કે, એવી વિશ્વસનીય માહિતી મળી છે કે, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હુમલા થઇ શકે છે. હાઈપ્રોફાઇલ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે.

૨૪મી નવેમ્બરના દિવસે ગ્રુપમાં રહેલા ત્રાસવાદીઓ પૈકીના એકની ધરપકડ કરાઈ હતી. ઓપરેશન દરમિયાન ઝડપાયેલા શબ્બીર અહમદ મલિકની ૨૦મી નવેમ્બરના દિવસે ધરપકડ કરાઈ હતી. હજુ સુધી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. તમામની ભૂમિકામાં તપાસ ચાલી રહી છે. શબ્બીરને રેકી કરવા માટે કહેવામાં આવ્યું હતું.

You might also like