અફઘાનિસ્તાનના કાબૂલમાં બે બ્લાસ્ટ, 7નાં મોત, મોટા ભાગના મીડિયાકર્મીઓના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં બે બોમ્બ બ્લાસ્ટ થયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. પોલીસ દ્વારા શશદારક વિસ્તારમાં બ્લાસ્ટની પુષ્ટી કરવામાં આવી છે. આ બ્લાસ્ટમાં 7 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 4 વ્યક્તિઓ ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું છે કે મરનારની સંખ્યામાં હજી પણ વધારો થાય તેવી શક્યતા છે.

અફઘાનિસ્તાનની એક ખાનગી ન્યૂઝ એજન્સી મુજબ કાબુલના શશદારક વિસ્તારમાં બીજો બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે લોકો પહેલા થયેલા બ્લાસ્ટમાં પીડીતોને મદદ કરી રહ્યા હતા. આ હુમલામાં ન્યૂઝ એજન્સીના ફોટોગ્રાફરનું મોત નિપજ્યું છે.

ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલ 2018થી અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાં 6 હુમલા થઇ ચૂક્યાં છે. એક અઠવાડિયા અગાઉ થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 60 લોકોના મોત થયા હતા અને 129 લોકોને ઇજા પહોંચી હતી. આ બ્લાસ્ટ બાદ તરત જ પુલ એ ખુમરી શહેરમાં પણ બ્લાસ્ટ થયો હતો જેમાં 5 લોકોનાં મોત થયા હતા અને અન્ય 6 લોકોને ઇજા પહોંચી હતી.

જ્યારે 20 એપ્રિલના રોજ એક અજ્ઞાત હુમલાખોરે કાલા એ નાઉના વોટર રજિસ્ટ્રેશન સેન્ટર પર હુમલો કર્યો હતો જેમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું.

You might also like