સપ્ટેમ્બર એક્સપાયરીના પગલે શેરબજારમાં વોલેટાલિટી વધશે

શેરબજાર ગઈ કાલે દિવસના અંતે ઘટાડે બંધ જોવાયું હતું. નિફ્ટી ૩૫.૯૦ પોઇન્ટના ઘટાડે ૮૮૫૦ પોઈન્ટની નીચે ૮૮૩૧.૫૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઈ હતી, જોકે સપ્તાહમાં શેરબજારમાં સાધારણ સુધારો નોંધાતો જોવાયો હતો.  યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજનો દર યથાવત્ રાખતાં વૈશ્વિક સહિત સ્થાનિક બજારમાં હાશકારો જોવા મળ્યો હતો, જોકે હવે બજારની નજર આગામી સપ્તાહની સપ્ટેમ્બર એક્સપાયરી ઉપર છે. તે પૂર્વે શેરબજારમાં બંને તરફની વધઘટ જોવાઇ શકે છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી છે, જેના પગલે ઘટાડો થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આગામી દિવસોમાં પણ બજારનો અંડરટોન બુલિશ જ જોવાઇ શકે છે, જોકે ટૂંકા સમયગાળામાં બજાર રેન્જ બાઉન્ડ જોવા મળી શકે છે. નિફ્ટી ૮૭૯૦ સ્ટ્રોન્ગ સપોર્ટ લેવલ, જ્યારે ૮૯૦૦ અવરોધ ગણાવી શકાય.

આગામી સપ્તાહે ૩૦મીએ જીએસટી કાઉન્સિલની બેઠક છે. બજારની નજર તેના ઉપર રહેશે એટલું જ નહીં, યુબી હોલ્ડિંગનું પરિણામ પણ આગામી સપ્તાહે ૨૮ સપ્ટેમ્બરે આવનાર છે.આગામી મહિને જુલાઇથી સપ્ટેમ્બર મહિનાના ત્રિમાસિક સમયગાળાનાં પરિણામ આવવાનાં શરૂ થઇ જશે.  એ જ પ્રમાણે આગામી મહિનાની શરૂઆતમાં ૪ ઓક્ટોબરે આરબીઆઇની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક થવા જઇ રહી છે. શેરબજારની નજર આ ઇવેન્ટ ઉપર રહેશે.

You might also like