એક્સફોલિએટર આપશે દમકતી ત્વચા

એક્સફોલિએટર ત્વચામાં રહેલા મૃત કોષોને દૂર કરી રોમછિદ્રો ખોલવાનું કામ કરે છે, જેથી નવા કોષો બને છે અને ત્વચા જીવંત અને તાજગીસભર દેખાય છે. બે પ્રકારના એક્સફોલિએટર હોય છે-ફિઝિકલ એક્સફોલિએટર. જેમ કે, બેકિંગ સોડા અને ઓટમીલ જેને ચહેરા પર લગાવવાથી મૃત કોષો દૂર થાય છે અને બીજા છે કેમિકલ એક્સફોલિએટર એટલે કે જેમાં એન્ઝાઇમ અને આલ્ફા હાઇડ્રોક્સી એસિડ હોય એવા.

બ્યુટીશિયન અનિતા ભટ્ટ કહે છે, “એક્સફોલિએટર ત્વચાના મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે. સ્કિન ટ્રીટમેન્ટમાં સ્ટીમ લીધા બાદ એક્સફોલિએટરનો ઉપયોગ કરવામાં આવે છે. આજે માર્કેટમાં એક્સફોલિએટર ક્રીમ મળે છે, જેને ચહેરા પર સ્ક્રબ કરીને ત્વચા પરના મૃત કોષો દૂર કરી શકાય છે. આ ઉપરાંત રસોડામાં ઉપલબ્ધ કેટલીક વસ્તુઓ પણ નેચરલ એક્સફોલિએટરનું કામ કરે છે.”

અનાનસ
અનાનસમાં બ્રોમેલિન એન્ઝાઇમ અને એએચએ(આલ્ફા હાઈડ્રોક્સી એસિડ) હોય છે. બ્રોમેલિન એન્ઝાઇમ અને એએચએ ત્વચાના કોષોમાંથી નકામો કચરો દૂર કરી તેને જીવંત બનાવે છે.

ઓટમીલ
ઓટમીલમાં આવેનાન્થ્રામાઇડ્સ હોય છે, જે ત્વચાને ઠંડક આપવાનું અને કોમળ બનાવવાનું કામ કરે છે. આ ઉપરાંત ઓટમીલમાં રહેલું સાપોનીન્સ ક્લીન્ઝિંગ એજન્ટનું કામ કરે છે, જે ત્વચાના રોમછિદ્રો ખોલવાનું કામ કરે છે.

બેકિંગ સોડા
બેકિંગ સોડામાં સપ્રમાણ પીએચ લેવલ હોય છે. પીએચ લેવલ રસાયણ તત્ત્વનો માપદંડ છે. વસ્તુનું પીએચ લેવલ ૧થી ૧૪ની વચ્ચે હોવું જોઇએ. પીએચ લેવલ ૭ હોય એટલે તટસ્થ છે એમ કહેવાય. જો પીએચ લેવલ ૭થી ઓછું હોય તો વસ્તુમાં અમ્લીયતાનું પ્રમાણ વધુ હોય છે અને જો ૭થી વધુ હોય તો ક્ષારનું પ્રમાણ વધુ હોય. બેકિંગ સોડામાં સપ્રમાણ પીએચ લેવલ હોય છે જે બળતરા વિના ત્વચાના મૃત કોષોને દૂર કરે છે. બેકિંગ સોડા ત્વચા પર ઉપસી આવતા લાલ રંગના ખીલને દૂર કરવાનું કામ કરે છે.

દહીં
દહીંનો ઉપયોગ કરવાથી ખીલમાં રાહત મળે છે. આ ઉપરાંત દહીંમાં રહેલું ઝિંક ત્વચાને સાફ કરે છે, લેક્ટિક એસિડ કે જે તટસ્થ એએચએ છે, તે ત્વચાના મૃત કોષોને દૂર કરી ત્વચાને કોમળ બનાવે છે.

ટામેટાં
ટામેટાંમાં રહેલો ઠંડકનો ગુણ ત્વચાને પણ ઠંડક બક્ષે છે. ટામેટાં એસ્ટ્રીજન્ટનું કામ કરે છે. વિટામિન-સી હોવાને કારણે ત્વચા પર થતી બળતરા સામે રક્ષણ આપે છે. ટામેટાંના ગરને દસ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને ત્યારબાદ ચહેરો પાણીથી ધોઇ નાખો. ત્વચા એકદમ દમકતી અને ફ્રેશ દેખાવા લાગશે.

લીંબુ
લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જે ત્વચાનાં રોમછિદ્રોને ખોલવાનું કામ કરે છે. ૫ાંચથી ૧૦ મિનિટ ચહેરા પર લીંબુનો રસ લગાવી રાખો અને ત્યારબાદ પાણીથી ચહેરો ધોઈ લો. જો લીંબુને કારણે ત્વચા પર બળતરા થતી હોય તો ૨ કે ૩ મિનિટ સુધી ચહેરા પર મસાજ કરી ચહેરો પાણીથી સાફ કરી લો.

પપૈયું
પપૈયાંમાં વિટામિન-એ હોય છે, જે એન્ટિ ઓક્સિડન્ટનું કામ કરે છે. આ ઉપરાંત તેમાં રહેલું ફ્રૂટ એન્ઝાઇમ પેપેઇન ત્વચાના કોષોમાં રહેલાં બિનજરૃરી પ્રોટીનને દૂર કરવાનું કામ કરે છે. પપૈયું શ્રેષ્ઠ એક્સફોલિએટર છે.
હેતલ ભટ્ટ

You might also like