હવે એક્સાઈઝ મુક્તિની યાદી મર્યાદિત થઈ જશે

નવી દિલ્હી: તમે રોજ સવારે ચા કે કોફીના શિપ લો છો અને નાસ્તામાં જે બિસ્કિટ ખાવ છો તેના પર પણ હવે ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ લાગુ પડી શકે છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય અને રાજ્યના નાણાપ્રધાનોની અધિકાર પ્રાપ્ત સમિતિ જીએસટી હેઠળ જે વસ્તુઓને છૂટ ઉપલબ્ધ છે તેની એક સંયુક્ત યાદી તૈયાર કરી રહી છે તેમાં ચા, કોફી અને બિસ્કિટની સાથે દવાઓ પણ આવી શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટને પણ જીએસટીના દાયરામાં લાવવા માગે છે અને રાજ્યની સંમતિ બાદ પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીના દાયરામાં લાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે એક્સાઇઝમાં મુક્તિ ધરાવતી ચીજોની એક યાદી તૈયાર કરી છે, જેમાં ૩૦૦ જેટલી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે, પરંતુ હવે આ યાદી ઘટાડીને ૯૦ વસ્તુઓ પૂરતી સીમિત કરી દેવાશે. આ ૯૦ ચીજવસ્તુઓ રાજ્યની એ યાદીમાં સામેલ છે કે જેના પર વેટ લગાડવામાં આવશે નહીં. આ રીતે તમામ રાજ્યમાં જીએસટીમાંથી મુક્તિ પ્રાપ્ત કરનાર ચીજવસ્તુઓ એકસરખી થઇ જશે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે કેન્દ્રની યાદીમાં ૩૦૦ જેટલી વસ્તુઓને એક્સાઇઝ-વેટ વગેરેમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ હવે આ યાદી ૯૦ ચીજવસ્તુઓ સુધી મર્યાદિત થઇ જશે. આ ઉપરાંત સર્વિસટેક્સમાંથી મુક્તિ મેળવતી સેવાઓની યાદીમાં શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓનો પણ સમાવેશ કરાશે.

You might also like