નવી અભિનેત્રીઓ સાથેનો અનુભવ એક્સાઇટિંગ: શાહિદ

મુંબઇઃ વર્ષ 2003માં ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’ માટે મેલ ડેબ્યૂનો ફિલ્મફેર જીતનાર શાહિદ કપૂરે ‘શાનદાર’ સુધી આવતાં આવતાં સાબિત કરી દીધું કે તે માત્ર ચોકલેટી હીરો નથી, પરંતુ તેનામાં અભિનય પ્રતિભા પણ છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મો ‘ઊડતા પંજાબ’ અને ‘રંગૂન’ માં વ્યસ્ત છે. શાહિદ જિંદગી અંગેની ફિલોસોફી વિશે વાત કરતાં કહે છે કે તમારે કર્મને મુખ્ય માનીને કામ કરવું જોઇએ અને પરિણામની આશા ન રાખવી જોઇએ, કેમ કે કોઇ પણ કાર્યનું પરિણામ શું આવશે તેની કોઇને જાણ નથી. છેલ્લાં થોડાં વર્ષમાં મેં આજ સૌથી મોટી શીખ મેળવી છે. ક્યારેક તમને પરિણામ તમારા કામ મુજબનું નથી મળતું. આ બધી ભૂલોમાંથી શીખી લેવાની પ્રક્રિયા છે. તેથી હું તો એમ જ કહીશ કે આ પ્રક્રિયાનો આનંદ મેળવવો જોઇએ.
શાહિદે તેની કરિયરમાં ઘણા ચઢાવ-ઉતાર જોયા છે. તે કહે છે કે મને ઘણીવાર એમ લાગે છે કે હું ખુદની સાથે પણ સંઘર્ષ કરી રહ્યો છું. તમારે એ જ કામ કરવું જોઇએ, જે કરીને તમને ખુશી મળે. આ જ કામ કરવાની હું અત્યારે કોશિશ પણ કરી રહ્યો છું અને તે વાત મારા માટે કારગત સાબિત થઇ રહી છે. બની શકે કે આવું વિચારવામાં મને બે વર્ષ કામ ન મળે, પરંતુ હું જે છે તેમાં ખુશ છું. શાહિદ કરીના, પ્રિયંકા અને વિદ્યા બાલન સાથે કામ કરી ચૂક્યો છે. હવે તે આલિયા, શ્રદ્ધા અને સોનાક્ષી સાથે કામ કરી રહ્યો છે. તે કહે છે કે દરેક વ્યક્તિ બીજી વ્યક્તિથી અલગ હોય છે. નવી છોકરીઓ સાથે મારું કામ કરવાનું એક્સાઇ‌ટિંગ રહ્યું, કેમ કે એ લોકો મને અલગ રીતે રિએક્ટ કરવા મજબૂર કરે છે.

You might also like