એક્સાઇઝ અધિકારીએ મધરાતે પત્ની સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું

અમદાવાદ: શહેરની શાન ગણાતી સાબરમતી નદી ફરી એક વાર સ્યુસાઇડ પોઇન્ટ બની ગઇ છે. ગઇ કાલે સાબરમતી નદીમાંથી પ્રેમી યુગલની લાશ મળવાની ઘટના તાજી છે ત્યાં ગઇ કાલે મોડી રાતે સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટે પત્ની સાથે સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે.

એક્સાઈઝ અધિકારીની પુત્રીની ધો.૧રની બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી રાત્રે મોડે સુધી વાંચવાના બદલે વહેલી સવારે વાંચવા બાબતે ઉગ્ર બોલચાલી અને ઝઘડો થતાં પતિ-પત્ની એક્ટિવા લઇ ઘરેથી નીકળી ગયાં હતાં. ગુસ્સા અને લાગણીવશ થઇ બંનેએ સુભાષબ્રિજ પરથી નદીમાં ઝંપલાવી દીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસે આ અંગે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ન્યુ રાણીપ જી.એસ.ટી. ફાટક પાસે આવેલા ગણેશ હોમ્સમાં ચીમનલાલ જેઠાનંદ ફુલવાણી (ઉં.વ.પર) તેમની પત્ની લક્ષ્મીબહેન ફુલવાણી (ઉ.વ.૪૮), પુત્ર હરીશ ફુલવાણી (ઉં.વ.ર૧) અને પુત્રી સપના ફુલવાણી (ઉ.વ.૧૭) સાથે રહેતા હતા. ચીમનલાલ અમદાવાદ ખાતે સેન્ટ્રલ એકસાઇઝ વિભાગમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. પુત્ર હરીશ નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે જ્યારે સપના ધો.૧રની બોર્ડની પરીક્ષા આપી રહી છે. સપનાની બોર્ડની પરીક્ષા ચાલી રહી હોઇ છેલ્લું પેપર બાકી હતું. ગઇ કાલે મોડી રાત સુધી સપના ઘરે વાંચી રહી હતી. મોડી રાત સુધી વાંચતી હોઇ ચીમનલાલ અને તેમની પત્નીએ સપનાને મોડી રાત સુધી વાંચવાની જગ્યાએ સવારના સમયે વાંચવા અંગે જણાવ્યું હતું.

વહેલી સવારે વાંચવાની બાબતને લઇ પુત્રી અને માતા-પિતા વચ્ચે બોલાચાલી થઇ હતી. ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતાં આવેશમાં આવીને બંને પતિ-પત્ની ઘરને બહારથી સ્ટોપર મારીને અમારે નથી જીવવું કહી એ‌િકટવા લઇ ઘરેથી નીકળી ગયાં હતાં. માતા-પિતા ઘરેથી નદીમાં પડવા જઇએ છીએ કહી નીકળી જતાં આ અંગે તેમના પુત્રએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી તેમનાં માતા-પિતા નદીમાં પડવા જઇએ છીએ કહી નીકળી ગયાં છે તેમ કહ્યું હતું, જેથી પોલીસે શહેરમાં આવેલા તમામ બ્રિજ પર તપાસ કરતાં મોડી રાતે ત્રણ વાગ્યે સુભાષબ્રિજ પરથી એક એક્ટિવા મળી આવ્યું હતું. આ અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં ફાયર બ્રિગેડની ટીમે નદીમાં શોધખોળ હાથ ધરી હતી.

એકાદ કલાકની શોધખોળ બાદ શાહીબાગ રિવરફ્રન્ટ ગાર્ડનના પાછળના ભાગેથી ચીમનલાલ અને તેમની પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મોતીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે એક્સાઇઝ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ ચીમનલાલની પુત્રીની પરીક્ષા ચાલતી હોવાથી મોડી રાત સુધી ન વાંચવા બાબતે બોલાચાલી થઇ હતી અને બાદમાં અમારું સંતાન થઇ તમે માનતાં નથી અમારે નથી જીવવું કહી સાબરમતી નદી પરથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

મોડે સુધી ન વાંચવા બાબતે પુત્રી અને માતા-પિતા વચ્ચે બોલાચાલી થયા બાદ માતા-પિતાએ લાગણીવશ અને ગુસ્સામાં આવી આ પગલું ભરી લીધું હતું. માત્ર સામાન્ય બાબતમાં પતિ-પત્નીએ આત્મહત્યા કરી લેતાં આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ઉપરાંત વાસણા બેરેજ પાસે પણ આશરે ૩૦ વર્ષીય પુરુષની લાશ તરતી હાલતમાં હોવાની માહિતી ફાયર બ્રિગેડને મળતાં ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી તેની ઓળખવિધિ શરૂ કરી પોલીસને જાણ કરી હતી. છેલ્લા બે મહિનામાં ફાયર બ્રિગેડની રેસ્કયૂ બોટ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર લોકોની સજાગતાના કારણે નદીમાં કૂદીને આત્મહત્યા કરતા લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને આત્મહત્યાનું પ્રમાણ ઘટ્યું હતું, પરંતુ છેલ્લા ૧૦ દિવસથી ફરી એક વાર સાબરમતી નદીમાં કૂદી આત્મહત્યાના બનાવો વધ્યા છે.
http://sambhaavnews.com/

You might also like