કેરળના એક્સાઈઝ મંત્રી સામે ૧૦ કરોડની લાંચ લીધાનો આરોપ

કોચી : કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુડીએફ સરકારને એક આંચકા રૃપ ઘટનામાં બાર લાંચ કેસમાં ભ્રષ્ટાચારના કહેવાતા આક્ષેપો બદલ કેરળના એક્સાઈઝ મંત્રી કે. બાબુ સામે કોર્ટે વિજિલન્સ અને એન્ટિ કરપ્શન બ્યૂરો(એસીબી)ને કેસ નોંધવાનો આદેશ આપતાં આજે તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું. વિજિલન્સ કોર્ટે આ કેસમાં પ્રથમ રિપોર્ટ આગામી ૨૨ ફેબ્રુઆરી સુધીમાં દાખલ કરવાનો પણ આદેશ આપ્યો હતો.

 

આ આદેશ ત્રિશૂર વિજિલન્સ કોર્ટના જજ એસ એસ વાસને આપ્યો હતો. અગાઉ અપાયેલા આદેશ મુજબ ક્વીક વેરિફિકેશન રિપોર્ટ દાખલ કરવામાં ધીમે ચાલી રહેલી કાર્યવાહીની પણ કોર્ટે કડક ટિકા કરી હતી. પૂર્વ નાણાંમંત્રી કે એમ મણિ બાદ કે. બાબુ  બાર લાંચ કેસમાં તેમની કહેવાતી સંડોવણીને પગલે રાજીનામું આપનારા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)સરકારના બીજા મંત્રી છે. તેમણે તેમનું રાજીનામુ મુખ્યમંત્રી ઓમાન ચાંડીને સુપરત કર્યું હતું.

 

આ કેસમાં કોર્ટે કરેલી ટિપ્પણી બાદ કે.મણિએ નવેમ્બર ૨૦૧૫માં પોતાના હોદ્દેથી રાજીનામુ આપી દીધું હતું.તે વખતે વિપક્ષના નેતા વી એસ અચ્યુતાનંદને તાત્કાલિક બાબુના રાજીનામાની માગણી કરી હતી. ક્વીક વેરિફિકેશન રિપોર્ટ પૂરો કરવામાં થઈ રહેલા વિલંબ પાછળ એક એસપીની બદલી પણ કારણરૃપ હોવાની વિજિલન્સની દલીલ અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. પોતાના વતન અર્નાકુલમમાં યોજેલી એક પત્રકાર પરિષદમાં બાબુએ જણાવ્યું હતું કે તેઓ મીડિયાને મળવા માટે આવ્યા તે પહેલાં તેમણે રાજીનામાનો પત્ર મુખ્યમંત્રી ઓમાન ચાંડીને સુપરત કરી દીધો છે.

 

બાર લાંચ કેસના પ્રકરણમાં સીપીએમ રમત રમી રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેરળના સીપીએમના મહામંત્રી કોદીયેરી બાલાકૃષ્ણન બાર લાંચ કેસના પ્રકરણમાં રમત રમ્યા હતા.  આ કેસમાં પોતાનું નામ કેવી રીતે આવ્યું તે વિશે ખુલાસો કરતાં બાબુએ જણાવ્યું હતું ,’કોદીયેરી ૪-૫ બાર હોટલ માલિકોને ૧૫મી ડિસેમ્બરે સાંજે ૭ વાગે સીપીએમના ધારાસભ્ય શિવનકુટ્ટીના નિવાસ સ્થાને તિરુવનંતપુરમમાં મળ્યા હતા.ત્યાં કોદીયેરીએ વધુ મંત્રીઓ પર આક્ષેપો કરવા માટે બાર માલિકોને જણાવ્યું હતું.’

 

રાજ્યમાં ૭૩૦ બાર બંધ થયા તે પછી મારી સામે ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું તેમ તેમણે ઉમેર્યું હતું.  તેમણે કહ્યું કે તેઓ તેમના ન્યાય અને હક્કો માટે અદાલતમાં લડશે. કોર્ટે મંત્રી સામે લાંચના આક્ષેપો કરનારા બાર હોટલ માલિક બિજુ રમેશ સામે પણ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. બિજુ રમેશે આક્ષેપ કર્યો હતો કે દારુના બારના લાઈસન્સ રિન્યૂ કરવા માટે બાબુને રૃ.૧૦ કરોડ આપવામાં આવ્યા હતા. રમેશ  કેરળ બાર એસોસિએશનના કાર્યકારી અધ્યક્ષ પણ છે.

 

આ મામલે મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ અર્નાકુલમ સરકારી ગેસ્ટ હાઉસ ખાતે એક બેઠક પણ યોજી હતી.  જોકે, કે.બાબુના રાજીનામા અંગેના પ્રશ્રોનો ઉત્તર આપવાનો તેમણે ઈનકાર કર્યો હતો.

You might also like