એક્સાઈઝ ડ્યૂટીના વિરોધમાં ગાર્મેન્ટ ઉત્પાદકો સોમવારે હડતાળ પાડશે

અમદાવાદ: કેન્દ્ર સરકારે બજેટમાં રૂ. ૧,૦૦૦થી ઉપરના બ્રાન્ડેડ રેડીમેડ ગાર્મેન્ટ ઉપર બે ટકાની એક્સાઇઝડ્યૂટી લાદવાની દરખાસ્ત કરી છે. રાજ્યભરના ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સે સરકારની આ દરખાસ્ત સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આગામી સોમવારે રાજ્યના ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સે એક દિવસની પ્રતીક હડતાળના એલાનની તથા સરકારની નીતિના વિરોધમાં ધરણાં કરવાની જાહેરાત કરી છે.

ગાર્મેન્ટ એસોસિયેશનના અગ્રણીના જણાવ્યા પ્રમાણે સરકાર એક બાજુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નજીકના ભવિષ્યમાં લાવવાની વાત કરી રહી છે તો બીજી બાજુ એક યા બીજા સ્વરૂપે ડ્યૂટીમાં વધારો કરી રહી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં સામાન્ય  બજેટમાં બ્રાન્ડેડ ગાર્મેન્ટ ઉપર બે ટકાની એક્સાઇઝડ્યૂટી લાદવાની જાહેરાત કરી છે, જેનો ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ સખત વિરોધ કરી રહ્યા છે. સોમવારે સરકારની આ નીતિના વિરોધમાં હડતાળ પાડશે.

આ અંગે ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ વિજયભાઇ પુરોહિતે જણાવ્યું કે સરકારે બજેટમાં બે ટકાની એક્સાઇઝડ્યૂટીમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જેની સામે અમારો વિરોધ છે. આગામી સોમવારે રાજ્યના ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ સરકારની નીતિ સામે એક દિવસની પ્રતીક હડતાળ પાડી વિરોધ કરશે તથા શહેરના ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ ઘીકાંટા ખાતે સરકારી નીતિના વિરોધમાં આ દિવસે ધરણાં પણ કરશે.

You might also like